વલસાડમાં કેમ ઘટ્યું કેરીનું ઉત્પાદન, કૃષિ નિષ્ણાતોની નજરે…

વલસાડઃ વલસાડ જિલ્લામાં હાલ કેરીના ઉત્પાદનમાં ઘટાડાને લઇ ખેડૂતો ચિંતામાં છે, તો બીજીતરફ કેરીના સ્વાદરસીયાઓને મોંઘાભાવે કેરી ખરીદવી પડી રહી છે. ત્યારે કેટલાક ખાસ કારણ આની પાછળ ગણાવાઇ રહ્યાં છે.વલસાડ જિલ્લામાં ૩૭ હજાર હેક્ટરમાં આફૂસ, કેસર, દશેરી, લંગડો, આમ્રપાલી સહિતના આંબાઓનુ વાવેતર થાય છે જેમાં દર વર્ષે હેક્ટરદીઠ ૮ થી ૯ મણ કેરી ઉતરે છે. આ વખતે વાતાવરણની માઠી અસરે આ ઉત્પાદન અડધું કરી નાખ્યું છે. તો નિષ્ણાતો બીજા કારણ ભણી પણ આંગળી ચીંધી રહ્યાં છે.
કેરી ઉત્પાદનમાં ઘટાડા અંગે બાગાયત નિષ્ણાતોનું માનવું છે કે વલસાડમાં યુપીના જેવી માવજત જોવા નથી મળતી.  વલસાડના ખેડૂતો ફક્ત કેરીની સીઝનમાં જ આંબાની કાળજી અને જરૂરી દવા છંટકાવ કરે છે જ્યારે ઉત્તરપ્રદેશમાં આંબાવાડીઓમાં આખું વર્ષ ખેડૂતો કેરીની માવજત કરે છે. દરેક વાતાવરણની અસર વખતે જરૂરી દવા છંટકાવ સહિત યોગ્ય પ્રમાણે પાણીની જરૂરિયાત પુરી કરી સખત કાળજી રાખે છે આંબે મોર બેસવાની સાથે જ તે ફળમા પરિવર્તિત થાય ત્યાં સુધી વાડીઓમા માવજત સાથે કૃષિ નિષ્ણાતો પાસે યોગ્ય માર્ગદર્શન મેળવે છે જેને કારણે કેરીમાં ઉત્તમ પ્રકારની ક્વોલીટી સાથે ત્રણ ગણું ઉત્પાદન મેળવે છે. આ બાબતમા વલસાડના ખેડૂતો આજે પણ પરંપરાગત ઢબે ખેતી કરી કેરીના ઉત્પાદનમાં ખોટ ખાઇ રહ્યાં છે
આફૂસ, કેસર, દશેરી, લંગડો જેવી કેરીના વધુ ઉત્પાદન માટે ખેડૂતોએ ઝાડને ખાતર, પાણી સાથે વાતાવરણની ભેજની અસરથી બચાવવા ખાસ કાળજી રાખવી જોઇએ તો જ કેરીને વાતાવરણના અસરથી બચાવી મબલખ ઉત્પાદન મેળવી શકાય.હાલમાં વલસાડની આંબાવાડીઓમાં કેરીના ફળ નહીવત જોવા મળી રહ્યાં છે. કેરીના ઉત્પાદનમાં થયેલો ઘટાડો કેરીના ભાવના ઉછાળામાં પરિણમ્યો છે અને જો હજુ પણ ખેડૂતો નહીં જાગે તો કેરીનું ઉત્પાદન દિવસોદિવસ ઘટતું જશે. કેરીના મારમાં રાહત મેળવવા કેરીના ખેડૂતોએ સરકારને રજૂઆતો કરી છે પરંતુ નિયમ મુજબ પાક સબસિડી ત્યારે જ મળી શકે જો પાકમાં નુકસાન કુદરતી આફતો જેવી કે ૧૨૦ કિલોમીટરની ઝડપે વાવાઝોડુ ફૂંકાઇ અને પાક ખરી પડે અથવા તો કમોસમી વરસાદમાં મોલ બગડ્યો હોય.આ બંને પરિબળો કેરીના ઉત્પાદનમાં બંધબેસતાં નથી માટે કેરીના ખેડૂતોને ઓછા ઉત્પાદનમાં સબસિડીનો લાભ પણ મળતો નથી.