ગાંધીનગરઃ રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ગુજરાતની તમામ પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળામાં વાર્ષિક પરીક્ષા માર્ચ-એપ્રિલ મહિનાની શરુઆતમાં પૂરી થયા બાદ એક મહિનો અઘોષિત વેકેશન રહેતું હતું પરંતુ તેને રદ્દ કરીને એપ્રિલ મહિનાથી જ નવા શૈક્ષણિક સત્રની શરુઆત કરવાનું નક્કી કરવામાં આવ્યું છે.
હવેથી ધોરણ 1 થી 12 નું વર્ષ 2020-21 નું શૈક્ષણિક સત્ર 20 એપ્રિલ,2020 થી આરંભાશે. વેકેશન 1 મે થી પાંચ સપ્તાહનું રહેશે. વેકેશન પછી શાળા યથાવત રહેશે. હવે શૈક્ષણિક સત્રનો એક મહિનો વધી જશે.
રાજ્ય સરકાર દ્વારા ધોરણ 1 થી 12 માં અભ્યાસ કરતા આશરે 1.14 કરોડ જેટલા વિદ્યાર્થીઓના શૈક્ષણિક સત્રમાં ફેરફાર કરીને સીબીએસઈ પેટર્નનું કરવાનું નક્કી કર્યું છે. શિક્ષણ વિભાગના પ્રાથમિક શિક્ષણ સચિવ વિનોદ રાવે જણાવ્યું કે, બાળકોના મફત અને ફરજિયાત શિક્ષણ અધિકાર અધિનિયમ-2009 પ્રમાણે ધોરણ 1 થી 5 માં 200 દિવસ અને ધોરણ 6 થી 8 માં 220 દિવસથી ઓછા ન હોવા જોઈએ.
તો ધોરણ 9 થી 12 માં 240 થી ઓછા દિવસ ન હોવા જોઈએ. ત્યારે આ જોગવાઈને ધ્યાને રાખતા અત્યાર સુધી પ્રથમ સત્ર અને બીજા સત્રના દિવસની જોગવાઈમાં વધઘટ થતી હતી. અત્યાર સુધી 15 મી જૂનથી શરુ થનારું શૈક્ષણિક સત્ર હવે એપ્રિલ મહિનાથી આરંભાશે.
ચાલુ વર્ષે નવું શૈક્ષણિક વર્ષ 2020 માં 21 દિવસો ઘટતા હોવાથી તારીખ 20 એપ્રિલથી આરંભાશે પણ વર્ષ 2021-22 નું નવું શૈક્ષણિક વર્ષ તારીખ 1 એપ્રિલથી 30 એપ્રિલ સુધી ચાલુ રહેશે અને આ પછી તારીખ 1 મેથી પાંચ સપ્તાહનું વેકેશન રહેશે.