અમદાવાદઃ રાજ્યમાં વધુ પાંચ દિવસ માવઠાની આગાહી વચ્ચે અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ વરસ્યો છે. રાજ્યના અનેક જિલ્લાઓમાં વાતાવરણમાં પલટો આવતાં વરસાદ ખાબક્યો છે. કેટલાક જિલ્લોમાં તો ભર ઉનાળે ચોમાસાનો માહોલ છવાયો છે. જામનગર, સુરેન્દ્રનગરના વઢવાણ, કચ્છના ભચાઉ સહિત ઉત્તર ગુજરાતના વાતાવરણ પલટો આવ્યો છે અને સાબરકાંઠાના વડાલીમાં પણ કમોસમી વરસાદ પડ્યો હતો. આ સાથે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં સામાન્યથી હળવા વરસાદની સાથે ગાજવીજ અને પવન ફૂંકાવા સાથે માવઠાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
જામનગર જિલ્લાના લાલપુરમાં કમોસમી વરસાદ ખાબક્યો છે. તાલુકા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. લાલપુરમાં જામનગર રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ પડ્યો છે. ત્યારે બીજી તરફ, તલ-અડદના ઉનાળુ પાકને નુકસાન થાય તેવી શક્યતા છે. સુરેન્દ્રનગરમાં પણ સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. વઢવાણ તાલુકામાં જોરદાર પવન સાથે કમોસમી વરસાદ ખાબક્યો હતો. કચ્છ જિલ્લામાં પણ સાંજે અચાનક વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો. ભચાઉ તાલુકામાં પણ કમોસમી વરસાદ ખાબક્યો હતો.
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડો. મનોરમા મોહંતીએ ગુજરાત માટે આગામી પાંચ દિવસની આગાહી કરીને જણાવ્યું છે કે રાજ્યના સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સહિત રાજ્યના બાકીના વિવિધ ભાગોમાં સામાન્યથી હળવા વરસાદની આગાહી છે. આ સાથે થંડરસ્ટ્રોમ એક્ટિવિટી અને ગાજવીજ સાથે વરસાદ થવાની પણ સંભાવનાઓ છે. વરસાદની સાથે સાથે હવામાન વિભાગે ભારે પવન ફૂંકાવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સાથે ડૉ. મોહંતીએ જણાવ્યું કે, તાપમાન સામાન્ય કે સામાન્ય કરતા નીચું નોંધાઈ શકે છે. રાજ્યમાં હાલ 40 કરતા નીચું તાપમાન નોંધાઈ રહ્યું છે. સૌથી ઊંચું 39 ડિગ્રી તાપમાન અમદાવાદમાં નોંધાયું છે.