સુરતઃ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીનો ૫૫મો પદવીદાન સમારોહ યોજાયો હતો. નર્મદ યુનિવર્સિટીના કન્વેન્શન હોલમાં આયોજિત સમારોહમાં રાજ્યપાલ અને અન્ય મહાનુભાવોને હસ્તે ૧૨ વિદ્યાશાખાઓના ૯૬ અભ્યાસક્રમોના ૧૭,૩૭૫ યુવા છાત્ર-છાત્રાઓને મેડલ્સ તથા પદવીઓ એનાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત ૮૧ પીએચ.ડી. તથા ૪ એમ.ફિલ.ને પદવીઓ એનાયત થઈ હતી. આ અવસરે સુરતની સૂર્યપૂર સંસ્કૃત પાઠશાળાના ૧૧ ઋષિકુમારોએ શંખનાદ અને ૧૦ ભૂદેવોએ વૈદિક મંત્રોચ્ચાર અને તૈત્તિરીય ઉપનિષદના શ્લોકગાન સાથે ભારતીય સંસ્કૃતિની પ્રાચીન ગુરુકુળ પરંપરાને ઉજાગર કરી હતી.
સૌપ્રથમ વાર મરણોપરાંત પીએચ.ડી. ડિગ્રી એનાયત
નર્મદ યુનિવર્સિટીના ઈતિહાસમાં સૌપ્રથમ વાર મરણોપરાંત પીએચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી. વીર નર્મદ યુનિવર્સિટીના આ પદવીદાન સમારોહમાં બરફીવાલા કોલેજના આસિ. પ્રોફેસર સ્વ.મોહિતકુમાર પ્રકાશચંદ્ર પટેલને મરણોપરાંત પીએચ. ડી.ની ડિગ્રી આપવામાં આવી હતી. રાજ્યપાલને હસ્તે આ પદવી તેમના જોડિયા દીકરા તીર્થ અને તથ્યએ સ્વીકારી હતી.યુનિવર્સિટીના કુલપતિ ડૉ. કે.એન.ચાવડાના માર્ગદર્શન હેઠળ વર્ષ-૨૦૨૦માં સ્વ.મોહિતકુમાર પટેલ પ્લાસ્ટિક વિષય પર પીએચ.ડીનો અભ્યાસ કરી રહ્યા હતા. આ અભ્યાસ દરમ્યાન તમામ સંશોધન પૂર્ણ કરીને પીએચ.ડી.નો થીસીસ પણ તૈયાર કરી લીધો હતો. આ દરમ્યાન જ તેમને બ્રેન સ્ટોક આવતાં સારવાર દરમ્યાન તેમનું નિધન થયું હતું.
આ કોલેજમાં મેળવેલા જ્ઞાનનો સ્વ માટે નહીં રાષ્ટ્રનિર્માણ માટે ઉપયોગ કરજો, એમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના ૫૫મા પદવીદાન સમારોહમાં દીક્ષાંત પ્રવચનમાં કહ્યું હતું. આ એનાયત થયેલી તમામ ૧૭,૩૭૫ ડિગ્રીઓ વિદ્યાર્થીઓના ડિજી લોકરમાં ઉપલબ્ધ બનશે. જે લોગઇન IDથી વિદ્યાર્થીઓ એક્સેસ કરી શકશે. રાજ્યપાલે રિમોટ દ્વારા તમામ ડિગ્રીઓ નેશનલ એકેડેમિક ડિપોઝિટરીમાં ડિજિટલ માધ્યમથી ડિપોઝિટ કરી હતી.
આ અવસરે શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયાએ જણાવ્યું હતું કે શિક્ષણ વ્યક્તિગત કારકિર્દી માટે જ પૂરતું નથી. માનવ કલ્યાણ-રાષ્ટ્ર હિતનો ભાવ પણ તેમાં રહેલો હોય છે. માત્ર અર્થ ઉપાર્જન કરવાની અપેક્ષા નહીં, પણ સમાજના ભલા માટે મેળવેલા જ્ઞાનનો સાર્થક ઉપયોગ કરવો જરૂરી છે.
યુનિવર્સિટીના કુલપતિ ડો.કે. એન. ચાવડાએ જણાવ્યું હતું કે નર્મદ યુનિવસિર્ટીએ શિક્ષણ અને પારદર્શી મેનેજમેન્ટથી આગવી ઓળખ ઊભી કરી છે. આ યુનિવર્સિટીએ એકેડેમિક બેન્ક ઓફ ક્રેડિટ આઈડી બનાવવામાં અને સૌથી વધુ ક્રેડિટ પ્રાપ્ત કરવામાં દેશમાં પ્રથમ ક્રમ મેળવ્યો છે. પી.એમ. ઉષા યોજના હેઠળ નર્મદ યુનિવર્સિટીના વિકાસ માટે રૂ. ૧૦૦ કરોડની ગ્રાન્ટ મંજૂર થઈ છે, જેનો ઉપયોગ વિશ્વ સ્તરીય શિક્ષણ સુવિધાઓ ઉભી કરવામાં કરાશે.
