રાજ્યભરમાં ભારે વરસાદને પગલે ખાડા અને ભૂવાઓનું રાજ જોવા મળી રહ્યું છે. ત્યારે ગુજરાતના કેટલાક વિસ્તારમાં માત્ર સામાન્ય વરસાદમાં રોડ રસ્તા બિસ્માર હાલતને લઈ સામાન્ય જનતામાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગરમાં ખરાબ રસ્તાઓને લઈ અનોખો વિરોધ શરૂ થયો છે. જેમાં રસ્તાઓ ઉપર માટલા મુકી વિરોધ કરાયો છે. તેમાં માટલામા ભાજપના ઝંડા મૂકી વિરોધ કરવામાં આવ્યો છે.
શહેરમાં વરસાદ પડતાની સાથે રસ્તાઓ બિસ્માર બન્યા છે. ખરાબ રોડ રસ્તાના પગલે સામાન્ય નાગરિકોને ભોગવવાનો વારો આવી રહ્યો છે. ખરબ રસ્તાથી વાહનચાલકોને પરેશાની ભોગવવી પડી રહી છે. ઉલ્લેખનીય છે કે શહેરની સિવિલ હોસ્પિટલ પાસેનો રસ્તો બિસ્માર બનતા દર્દીઓને પણ હડદોલા સહન કરવા પડી રહ્યા છે. ત્યારે આ રોડ ને લઈ તંત્રની કામગીરી ન દેખાતા ભાવનગરના લોકો વિરોધ પ્રદર્શન કરવા પર મજબૂર બન્યા હતા. રસ્તાઓ ઉપર માટલા મૂકી તેમાં ભાજપનો જંડા લગાવી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. શહેરમાં દર વર્ષે ચોમાસામાં વરસાદ પડતા ભાવનગર શહેર અને જિલ્લાના મોટાભાગના ડામરના રોડ તૂટી જતા હોય છે. જેમાં વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવે છે. આ સમસ્યા વર્ષોથી યથાવત છે છતાં તંત્ર નિષ્ક્રીય છે અને કડક પગલા લેવામાં આવતા નથી. વિપક્ષ દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપ પણ કરવામાં આવતા હોય છે. ત્યારે તત્કાલ યોગ્ય પગલા લેવા માગ ઉઠી રહી છે.