કેન્દ્રીય ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહ આજે મંગળવારથી બે દિવસ ગુજરાતની મુલાકાતે છે. તેઓ એસજી હાઈવે ખાતે મેગા મેડિકલ કેમ્પમાં હાજરી આપી ગોતા ખાતે વેજિટેબલ માર્કેટનું લોકાર્પણ કર્યું હતું. ત્યારબાદ ભાડજ ખાતે 447 કરોડનાં વિકાસ કાર્યોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કર્યું હતું. અહીં તેઓ લોકોને સંબોધન કરશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે, આજથી નવરાત્રિનો પ્રારંભ થયો છે. ગોતા વેજીટેબલ માર્કેટ બનતા નાના ફેરિયાઓને લાભ થયો છે. નાના બાળકોના અભ્યાસ માટે સ્માર્ટ સ્કુલનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. કરોડોના વિકાસકાર્યો ભેટ માટે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનો આભાર માનું છું.
ગૃહમંત્રી અમિત શાહ સાંજે શાહીબાગ ખાતે નવી પોલીસ કમિશનર ઓફિસનું ઉદ્ઘાટન કરશે. રાત્રે 8 વાગ્યે વસ્ત્રાપુર GMDC ગ્રાઉન્ડમાં વાઇબ્રન્ટ નવરાત્રિ 2024નો શુભારંભ ગૃહમંત્રીના હસ્તે કરાશે. રાત્રે નારણપુરા અને વેજલપુરની સોસાયટીઓમાં ગરબા કાર્યક્રમમાં હાજરી આપશે. બીજા દિવસે સાંજે માણસાના બીલોદરામાં પ્રતિમાના અનાવરણ કાર્યક્રમમાં હાજરી આપી મોડી સાંજે તેમના વતનમાં માતાજીની આરતી અને દર્શન કરશે.
3 ઓક્ટોબર, 2024ની સાંજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદ શહેર પોલીસ કમિશનર કચેરીના નવા બિલ્ડિંગનું લોકાર્પણ કરશે. અમદાવાદ શહેર પોલીસ દ્વારા હાલ આ બાબતે તમામ વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખાસ કરીને આ કાર્યક્રમમાં 700 VVIP સહિત 12,000 લોકો હાજર રહેશે. આ બધાની સાથે અમદાવાદ શહેર પોલીસની એક નવી સફર શરૂ થવા જઈ રહી છે. અમદાવાદ શહેરના પોલીસ હેડ ક્વાર્ટર ખાતે અત્યાધુનિક સુવિધા ધરાવતું નવું બિલ્ડિંગ તૈયાર છે. હાઈફાઈ સુવિધા સાથે સજ્જ આ બિલ્ડિંગમાં સાતમા માળે પોલીસ કમિશનર બેસશે. બિલ્ડિંગમાં બે માળના બેઝમેન્ટ પાર્કિંગમાં 3 હજાર કાર સહિતનાં વાહનો પાર્ક કરી શકાય છે. તો શહેરના મોનિટરિંગ માટે 180ની સિટિંગ કેપેસિટી સાથેનું ખાસ કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર બનાવાયું છે. બિલ્ડિંગમાં કોન્ફરન્સ રૂમ અને કેન્ટીન પણ છે. અલગ અલગ માળ પર વિવિધ સુવિધા સાથે સજ્જ છે. મુલાકાતીઓને એરપોર્ટની માફક અહીં સ્કેનિંગ બાદ જ એન્ટ્રી મળશે. આ બિલ્ડિંગમાં અમદાવાદની જૂની પોલીસ કમિશનર કચેરીનો સ્ટાફ ખસેડીને નવી જગ્યા પર કાર્યરત થશે, જે માટે તમામ વ્યવસ્થા કરવામાં આવી છે.