ગુજરાતમાં બેરોજગારીનું સત્ર ઘેરાયું, 6 જિલ્લામાં 138 કંપનીઓ સામે ફરિયાદ

ગાંધીનગર: ગુજરાત, જે વૈશ્વિક સ્તરે વિકાસના મોડેલ તરીકે ઓળખાય છે, ત્યાં બેરોજગારીની સમસ્યા વધુ વકરતી જાય છે. રાજ્યના 6 મહત્વના જિલ્લાઓમાં 138 કંપનીઓ સામે સ્થાનિકોને નોકરી ન આપવાના આરોપસર ફરિયાદ નોંધાઈ છે. આ શહેરોમાં અમદાવાદ, સુરત, વડોદરા, સુરેન્દ્રનગર, સાબરકાંઠા અને મહેસાણાનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં વિદેશી રોકાણ વધવા છતાં યુવાનો બેરોજગારીનો સામનો કરી રહ્યા છે. 2023માં 60, 2024માં 78 અને 2025માં 138 કંપનીઓ સામે ફરિયાદ નોંધાઈ છે, જે સ્થાનિકોને નોકરી ન આપતા હોવાનો આરોપ છે. આ મામલે ઉદ્યોગ કમિશનર અને રોજગાર કચેરીએ પણ વિગતો મેળવી, સરકાર સુધી રજૂઆત કરી છે. સરકાર દ્વારા કંપનીઓ માટે ખાસ પરિપત્ર અને નીતિ બાબતે વિચારણા ચાલી રહી છે, જેથી સ્થાનિકોને વધુ રોજગાર મળી શકે.

ઉચ્ચ શિક્ષિત યુવાનો માટે રોજગારી મેળવવાનું પડકારજનક છે લાયકાત મુજબ નોકરી અને યોગ્ય પગાર નહીં મળતા યુવાનો વિદેશ જવાની દિશા તરફ વળી રહ્યા છે. અમેરિકા, કેનેડા, યુકે અને ઓસ્ટ્રેલિયામાં રોજગાર માટે યુવાનોની સંખ્યા વધી રહી છે. ગુજરાતના મહાનગરોમાં રોજગારની તકો ઓછી થતી જતી હોવાના કારણોસર નોકરી માટે યુવાનો વિવિધ કંપનીઓના ચક્કર મારી રહ્યા છે. ગુજરાતનો વિકાસ દર ઉંચો હોવા છતાં, યુવાનો માટે નોકરી મળવી મુશ્કેલ બની રહી છે. રાજ્યમાં સ્થાનિકોને રોજગાર અપાવવાની નવી નીતિ અને કંપનીઓ પર સખત કાર્યવાહી થાય તો આ સમસ્યામાં ઘટાડો આવી શકે છે.