અમદાવાદઃ મોરબી નજીક વાંકાનેર પાસે ચાલતા બોગસ ટોલ બૂથનું કૌભાંડ પ્રકાશમાં આવ્યાના 25 દિવસ બાદ આ મામલે બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. વાંકાનેરના આ રૂટ પણ છેલ્લા દોઢ વર્ષથી એક નકલી ટોલબૂથ ચાલતુ હતું અને આ નકલી ટોલબૂથ ચલાવીને વાહનચાલકો પાસેથી રકમ ઉઘરાવાતી હતી. આ ઉઘાડી લૂંટનો પર્દાફાશ થયા બાદ આખરે આ મામલે હવે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મોરબીના વાંકાનેર નજીક વધાસિયા ગામે સિરામિકની ફેક્ટરી ભાડે રાખીને અહીં નકલી ટોલનાકુ ચલાવીને સામાન્ય જનતા સાથે ઉઘાડી લૂંટ થતી હતી. દોઢ વર્ષથી ચાલતા આ સમગ્ર ગોરખધંધો ત્યારે ઉજાગર થયો, જ્યારે આ મુદ્દે એક વિડિયો વાયરલ થયો હતો. છેલ્લા દોઢ વર્ષથી ધમધમતા આ નકલી ટોલ નાકામાં ટેમ્પાના 100, મોટા ટ્રકના 200 અને ફોર વ્હીલરના રૂ. 50 લેવાતા હતા. રવિ નામનો કોઈ શખસ આ ટોલનાકું ચલાવતો હોવાનો અહેવાલ સામે આવ્યો હતો. આ નકલી ટોલનાકા માટે અનેક સવાલ થવા સ્વાભાવિક છે.
બામણબોર થી વાંકાનેર થઈને મોરબી અને કચ્છ તરફ દરરોજ હજારો વાહન પસાર થાય છે. આ ટોલનાકાને લઇને અનેક ચોકાનારી હકીકતો સામે આવી છે. આ મામલે નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારીઓએ અનેક મોરબી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલીસવાળાને અરજીઓ આપી હોવાનું પણ સામે આવ્યું છે. અસલી ટોલનાકા કરતા અહી નકલી ટોલનાકમાં 50 ટકા ડિસ્કાઉન્ટ પણ અપાતું હોવાનું સામે આવ્યું હતું. હાલ આ મામલે પોલીસે બે આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્ય મુખ્ય આરોપી હજુ પણ ફરાર છે.