‘તુમ કહો મૈં સુનૂ…’ કન્સેપ્ટ નવો છે!

દીકરા મારી પાસે પૈસા તો ઘણા છે પરંતુ મારી સાથે વાત કરનાર કોઇ નથી. તારી સાથે મનની વાત કરી ઘણું સારું લાગ્યું. આ શબ્દો અમદાવાદના ધનીક વિસ્તારમાં રહેતા 75 વર્ષના દાદાના છે. જેમના સંતાનો વિદેશમાં સ્થાઇ છે. અને તેમની વાત દીલખોલીને જે સાંભળી રહ્યો છે તે 26 વર્ષનો યુવાન છે. જેનું કામ જ એકલતાથી પીડાતા, ડિપ્રેશનનો ભોગ બનેલા અને પોતાની વાત કોઇને ન કહી શકતા લોકોને સાંભળવાનું છે. જી હા, વાત છે અમદાવાદના લીસ્ટનર મેન પ્રફુલ પરમારની.

2014માં બોલીવુડના ભાઇજાન એટલે કે સલમાન ખાનની ફિલ્મ આવી હતી ‘જય હો’, જો કે તે સારી હોવા છતા વિવાદોને કારણે ઝાઝી કમાણી કરી શકી નહીં, પરંતુ તેમાં એક સુંદર વાત રજૂ કરવામાં આવી હતી. ‘તમારી હેલ્પ કોઇ કરે તો તેને થેન્કસ કહેવાની જગ્યાએ ત્રણ વ્યક્તિની મદદ કરવી અને તેમને પણ કહેવું કે તે પણ થેન્કસ કહેવાની જગ્યાએ અન્ય કોઇ ત્રણ વ્યક્તિની મદદ કરે’ જેના કારણે સારી ભાવનાની એક ચેઇન શરૂ થાય અને લોકો એકબીજાની મદદ કરતા થાય. પ્રફુલ પરમારે આવી કોઇ ચેઇન તો શરૂ નથી કરી પરંતુ હા, તેમણે એકલા રહેતા, અને પોતાની કોઇ વ્યક્તિની ઝંખના કરતા લોકો માટે એક નવતર પ્રયોગ હાથ ધર્યો છે.

મૂળ મહેસાણાના અને પરિવાર સાથે અમદાવાદમાં રહેતા ગુજરાતી વિષય સાથે સ્નાતક થેયેલા પ્રફુલ પરમાર ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા કહે છે, આજની ફાસ્ટ લાઇફમાં કોઇની પાસે સમય નથી કે તે કોઇની વાત સાંભળે, સમજે, કે પછી તેમની મદદ કરે, ઘણી જગ્યાએ તો પોતની કોઇ વ્યક્તિથી જ અન્યને દુઃખ મળ્યું હોય છે. આવી કોઇ પણ વ્યક્તિ સાથે મુલાકાત થાય ત્યારે તેમની માટે બધુય કરી છુટવાની ભાવના થતી. આવા વિચારે જ મને લોકોની વાત સાંભળવાની પ્રેરણા આપી.

વર્તમાન સમયમાં ડિપ્રેશન, એનસાઇટી જેવી અનેક સમસ્યા સામે લોકો લડી રહ્યાં છે, ત્યારે અમારા આ પ્રયત્નથી થોડી પણ મદદ કોઇને થાય તો અમને ખુશી થાય છે. અત્યાર સુધીમાં બેથી પાંચ હજાર લોકોને મળ્યાં છીએ. અને 400થી 500 લોકોની સ્ટોરી સાંભળી છે. છેલ્લા છ મહિનાથી આ કેમ્પેઇન ચાલે છે. વીકમાં બે દિવસ એટલે કે શુક્રવાર સાંજે 6થી 8 અને રવિવાર સવારે 7 થી 10ના સમયગાળામાં હું અને મારી છ વ્યક્તિની ટીમ સરદારબ્રિજ રિવરફ્ર્ન્ટ પર અમદાવાદીઓને મનખોલીને સાંભળીએ છીએ અને તેમની મદદ પણ કરીએ છીએ. લોકોનો સારો પ્રતિભાવ છે. તો સાથે એ પણ જાણવા મળ્યું કે લોકો ઘણા એકલા છે તેમને મિત્રની અને પોતાનું કહી શકાય એવા સબંધની જરૂ છે.

પ્રફુલ પરમાર અને તેમની પાંચ વ્યક્તિની ટીમ રીવરફ્રન્ટ પર હાથમાં FREE HUG, TELL YOUR STORY, HIGH-5 FOR MAKING IT SO FAR!, તુમ કહો મૈં સુનૂ, ના બોર્ડ હાથમાં લઇને ઊભા રહે છે. વધૂમાં પ્રફુલભાઇ કહે છે, ધીમે –ધીમે લોકો મારી સાથે જોડાતા ગયા. કોઇ નાના બાળકો અમને જોઇને તેમની કાલીઘેલી ભાષામાં સ્ટોરી સંભળાવે છે તો કોઇ વડીલ પોતાનું દીલ આંખોના ખુણા લુંછતા અમારી આગળ ખોલે છે. તો વળી કોઇ યુવાન પોતાના બ્રેકઅપની વાત કરે છે, અને મહિલાઓ પણ પોતાની અમારી સાથે બેફીકરાઇથી વાત કરે છે. અત્યારે 70થી 75 લોકો અમારી ટીમ સાથે જોડાયા છે. લોકોમાં હેલ્પ કરવાની અને અન્યને સમજવાની ભાવના તો છે પરંતુ માધ્યમ નથી મળતું. અમારા આ કેમ્પઇનથી લોકોને એ માધ્યમ મળ્યું છે.