‘તુલસી દેવી-શાલીગ્રામ’ ભગવાનના વિવાહની ભવ્ય ઉજવણી

“तुलसी श्रीसखी शिवे पापहारिणी पुण्यदे।
नमस्ते नारदनुते नमो नारायणप्रिये ॥”

‘જેના આંગણામાં તુલસીનો ક્યારો ત્યાં વસે મારા નંદનો દુલારો’ આજે દેવઉઠી અગિયારસ એટલે કે તુલસી વિવાહ. વિશ્વના સૌથી શ્રેષ્ઠ વિવાહ હોય તો એ છે તુલસી વિવાહ. આજના દિવસે સમગ્ર દેશમાં જુદા-જુદા સ્થળોએ મોટા પાયે તુલસી વિવાહના આયોજન કરવામાં આવે છે.

 કેમ કરાય છે તુલસી વિવાહ

હિન્દૂ સંસ્કૃતિમાં દરેક તહેવાર, ઉત્સવ, પર્વ, પ્રસંગ પાછળ કોઈને કોઈ કથા હોય છે. કારતક સુદ અગિયારસના દિવસે તુલસી વિવાહ કેમ મનાવવામાં આવે છે એની પાછળ પણ ધાર્મિક કથા છે.

કહેવાય છે કે જલંધર નામના અસુર સાથે વૃંદાના લગ્ન થયા હતા. પત્નીના સતિત્વના કારણે જલંધર અસુરીવૃત્તિ નો હતો છતા એના પર વિજય મેળવવો કઠીન હતો. એ પોતાના અભિમાનથી દરેક જીવ, ઋષિમુની અને દેવને હેરાન કરતો. વૃંદા ધાર્મિક અને પરમ વિષ્ણુ ભક્ત હતી. દેવો પરેશના થઈ બ્રહ્માજી પાસે ગયા ત્યારે બ્રહ્માજીએ શિવજીને વાત કરી. શિવજીએ વિષ્ણુને સહાય કરવાનું કહ્યું. વિષ્ણુ ભગવાને છલ કરી વૃંદાનું સતિત્વ ભંગ કર્યુ અને જલંધર મરાયો. આ વાતની જાણ જ્યારે વુંદાને થઈ ત્યારે એમને ભગવાન વિષ્ણુને પથ્થર બની જવાનો શ્રાપ આપ્યો.

 

આ સાંભળી દેવ ઋષિઓએ વૃંદાને વિનંતી કરી અને એમની માફી માંગી. વિષ્ણુ ભગવાન પોતાના ભક્તની ભક્તિથી પરિચિત હતી. એમને વૃંદાને આશ્વાસન આપ્યું કે એ ફરી તુલસીના છોડ તરીકે અવતરણ થશે. હું પથ્થર સ્વરૂપે હોઈશ ત્યારે આપણા લગ્ન થશે. સાથે જ વચન પણ આપ્યું કે તમારી હાજરી વગરનું ભોજન હું ક્યારેય નહીં આરોગું. માટે જ આજે પણ ભગવાનના થાળમાં પ્રથમ તુલસી મુકવામાં આવે છે.

ભગવાન વિષ્ણુ શાલિગ્રામ સ્વરૂપે કારતક મહિનાના શુકલ પક્ષે માતા તુલસી સાથે વિવાહ કરે છે. આ લગ્ન વિશ્વના સૌથી ઉત્તમ લગ્ન ગણાય છે. કહેવાય છે કે જે ઘરે દીકરી નથી હતી. એ પરિવાર તુલસી વિવાહનો ઉત્સવ ધામધૂમથી ઉજવે છે. આ પ્રસંગ કરવાથી કન્યાદાન કર્યાનું પુણ્ય મળે છે.

ચાલીસ વર્ષથી થાય છે અહીં તુલસી વિવાહ

અમદાવાદના કામેશ્વર મહાદેવ મંદિરના પ્રાગણમાં છેલ્લા ચાલીસ વર્ષથી ભવ્ય લગ્નોત્સવની જેમ તુલસી વિવાહનું આયોજન કરવામાં આવે છે. આ વિશે ચિત્રલેખા.કોમ સાથે વાત કરતા સંસ્થાના માનદમંત્રી નટુભાઈ પટેલ કહે છે, ભગવાન વિષ્ણુના શાલિગ્રામ સ્વરૂપના માતા તુલસી સાથે આનંદ ઉત્સવથી લગ્ન કરવામાં આવે છે. જેમાં કૃષ્ણ પક્ષ અને તુલસી પક્ષ બંનેના ત્યાં દિવાળીએથી જ લગ્નની તૈયારીઓ શરૂ થઈ જાય છે. સાંજે 5 કલાકે ભગવાનની જાનનું આગમન થશે. 5.55 વાગે માતા તુલસી અને ભગવાનનો હસ્તમેળાપ કરાવવામાં આવશે. સાંજે 7.15 તુલસી માતાની વિદાય કરાશે. આ ઉપરાંત લગ્ન પહેલા તમામ વિધી એટલે કે રાસ-ગરબા, વરઘોડો, છાબ, મામેરું પણ કરવામાં આવે છે. આ વખતે ખાસ લગ્ન ગીતો ગાનારી બહેનોને બોલવવામાં આવ્યા છે. સૌ સાથે મળી ધામધૂમથી ભગવાન વિષ્ણું અને તુલસી માતાના લગ્ન કરાવીશું.

લાલાના લગ્ન તો કરાવવા જ પડે

અમદાવાદની અનેક ભજન મંડળીની બહેનો પણ પોતાના લાલાના લગ્ન કરાવવા ઉતાવળા હોય છે. આ વિશે તુલસી વિવાહના આયોજક જોલીબહેન ભટ્ટ ચિત્રલેખા.કોમને કહે છે, અમે પાંચ વર્ષથી અમારા લાલાના અને તુલસી માતાના વિવાહનું શણગાર સાથે ભવ્ય આયોજન કરીએ છીએ. બધી બહેનો સાથે મળી દિવસો પહેલા તૈયારીઓ શરૂ કરી દઈએ છીએ. આજે સાંજે પણ લાલાના અને તુલસી માતાના ધામધૂમથી લગ્ન કરાવીશું.

 શહેરના મંદિરોમાં તુલસી વિવાહની તૈયારીઓ

શહેરના ભાગવદ વિદ્યાપીઠમાં પણ તુલસી વિવાહનું આયોજન કરાયું છે. આ ઉપરાંત શહેરના કામેશ્વર મહાદેવ મંદિર, ઈસરો પાસેના પરમધામ ચિન્મય મિશન સંસ્થા, નારણપુરાના રાધાકૃષ્ણ મંદિર, સોલા રોડ પર આવેલા અંબાજી મંદિર, ઓઢવના રણછોડરાયજી મંદિર, દરિયાપુરના રણછોડરાયજી મંદિરમાં તુલસી વિવાહનું આયોજન કર્યુ છે.

હેતલ રાવ

તસવીરઃપ્રજ્ઞેશ વ્યાસ