શ્રી સોમનાથની શોભા વધારતી ત્રિરંગી પાઘ, અમદાવાદી ભક્તે આપી ગણતંત્ર દિનની વિશેષ ભેટ

સોમનાથ- શ્રી સોમનાથ મહાદેવને અમદાવાદના મહિપતસિંહ વેગડ દ્વારા વિશેષ ત્રિરંગા કલરની પાઘડી અર્પણ કરવામાં આવેલ હતી. આ પાઘડી માટે તેઓને ઉજ્જૈન મહાકાલ ખાતેથી પ્રેરણા મળી હતી. 2017માં 15 ઓગસ્ટે તેઓએ ઉજ્જૈન મહાકાલેશ્વર મહાદેવને પાઘડી અર્પણ કરી ત્યારે સંકલ્પ કર્યો હતો લ કે 26મી જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે તેઓ સોમનાથ મહાદેવને વિશેષ ત્રિરંગી પાઘડી અર્પણ કરશે.
આ પાઘડી અમદાવાદના સુનીલ સોની એ 4 દિવસની મહેનત બાદ, સ્પંચની આટીઓ, સીલ્ક, વેલ્વેટ, સ્ટોન, ફુલ પેચવર્ક પૂઠાંમાંથી ખાસ ડિઝાઇન કરી તૈયાર કરી છે.  તેઓ ગુજરાત તથા દેશભરના પ્રખ્યાત તીર્થોના ખાસ વાઘા પણ તૈયાર કરે છે, જેઓ જગન્નાથજી, દ્વારકાજી, ડાકોર, શ્રીનાથજી સહિત તીર્થોમાં વિશેષ વાઘા તૈયાર કરે છે.
તેઓએ આ આધ્યાત્મ અને રાષ્ટ્રીયતાના માનબિંદુ સમા તીર્થ સોમનાથ  મહાદેવની પાઘડી તૈયાર કરી ખૂબ જ પ્રેરણાત્મક અનુભૂતિ મેળવી હોવાનું જણાવ્યું હતું.

તેઓએ 26 જાન્યુઆરી માટે 23.જાન્યુઆરીના પાઘ સોમનાથ ખાતે અર્પણ કરેલ હતી. ત્યારે 26મીએ સાંજે 4 થી 6 દરમિયાન પૂજાચાર્ય ધનંજયભાઇ દવે તથા ટીમ દ્વારા આ વિશેષ શૃંગાર તૈયાર કરવામાં આવેલ હતો. આ અગાઉ પણ જન્માષ્ટમી પર્વે મહિપતસિંહ દ્વારા શ્રી સોમનાથ મહાદેવને રજવાડી પાઘડી અર્પણ કરેલ હતી. સોમનાથ મહાદેવને ભક્તો અલગ અલગ ભેટ આપી પોતાનો ભાવ વ્યક્ત કરતા હોય છે, ત્યારે મહિપતસિંહની અનોખી ભક્તિ માટે શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા તેઓનું સન્માન કરવામાં આવ્યું હતું.