નવસારીઃ નવસારીનાં 18 ગામના લોકોએ વિધાનસભાની ચૂંટણીના બહિષ્કારનું એલાન કર્યું છે. આ ગામોના લોકોએ અંચેલી સ્ટેશને લોકલ ટ્રેનોને ઊભી રહેવા લાંબા સમયથી માગ કરી રહ્યા છે. ગ્રામીણોનું કહેવું છે કે કોરોના કાળ પહેલાં અંચેલી સ્ટેશને લોકલ ટ્રેનો ઊભી રહેતી હતી, પણ પછી એને બંધ કરવામાં આવી હતી. સત્તાવાળાઓને વારંવાર ફરિયાદો પછી પણ આ ટ્રેનોને ફરીથી શરૂ નથી કરી શકાઈ. ગ્રામીણોએ સ્પષ્ટ કર્યું હતું કે હવે ટ્રેન નહીં તો મત પણ નહીં. ગ્રામીણોએ આ સંબંધમાં અંચેલી સ્ટેશનની પાસે એક બેનર પણ લગાવ્યું છે.
ગ્રામીણોએ બેનરમાં લખ્યું છે કે જ્યાં સુધી ટ્રેન નહીં ઊભી રહે, ત્યાં સુધી આ ગામોમાં કોઈ ભાજપના નેતા મત માગવા ના આવે.અંચેલી સ્ટેશનથી 18 ગામ રેલવે સર્વિસ દ્વારા રાજધાનીથી જોડાય છે. કોરોના કાળ પહેલાં સુધી અહીં બધા પ્રકારની લોકલ ટ્રેનો ઊભી રહેતી હતી. એનાથી અહીંના લોકો વેપારવણજ સિવાય જરૂરી કામો માટે શહેર આવતા-જતા હતા, પણ કોરોના કાળમાં ટ્રેનો ઊભી રહેતી બંધ થઈ ગઈ, ત્યારથી લોકોને શહેર જવામાં ભારે હાડમારીનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યું હતું કે આ સમસ્યાને લઈને અનેક વાર જનપ્રતિનિધિઓ અને રેલવેના અધિકારીઓને ફરિયાદ કરવામાં આવી હતી, પણ કોઈ સમાધાન હજી સુધી નથી થયું, પણ હવે મજબૂરીમાં ગ્રામીણોએ આરપારની લડાઈનો નિર્ણય કર્યો છે.
ભાજપપ્રમુખને મળી ચૂક્યા છે ગ્રામીણો
આ સમસ્યાને લઈને ગ્રામીણો નવસારીના સાંસદ અને ભાજપના પ્રદેશાધ્યક્ષ સી. આર. પાટીલથી પણ મળી ચૂક્યા છે. આ સિવાય તેઓ પીયૂષ દેસાઈ, રેલવે રાજ્યપ્રધાન દર્શનાબહેન જરદોસથી પણ મળી ચૂક્યા છે. આ બધાએ તેમને આશ્વાસન તો આપ્યું છે, પણ આ દિશામાં નક્કર કોઈ કાર્યવાહી કરી નથી.