ભરૂચના શુકલતીર્થમાં નર્મદા નદીમાં ન્હાવા પડેલા ત્રણ લોકો ડૂબ્યાં હોવાની ઘટના સામે આવી છે. જ્યારે એક યુવાનનો આબાદ બચાવ થયો છે. સમગ્ર ઘટનાની જાણ તંત્રને થતાં પોલીસ સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી હાથ ધરી હતી. જ્યારે અન્ય બે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે. જ્યારે પોલીસ અને તરવૈયાની મદદથી લાપતા બે લોકોની શોધખોળ કરવામાં આવી રહી છે.
સુરતના ગોડાદરા ગામનો સચિન નામનો યુવાન પણ ભરૂચ તાલુકાના શુક્લતીર્થ મેળામાં આવ્યો હતો. તે મેળામાં આવેલાં તંબુ, ચકડોળ સહિતના સ્થળે છુટક મજૂરી કરતો હતો. ગઇકાલે બપોરના સમયે તે તેના મિત્રો સાથે શુક્લતીર્થ ગામે નર્મદા કિનારે ન્હાવા માટે ગયો હતો. તેના મિત્રોએ સ્નાન કર્યાં બાદ જતા રહ્યાં હતાં. મોડે સુધી સચિન પરત આવ્યો ન હતો. જોકે, સવારે તેનો મૃતદેહ નદીમાં તરતો મળી આવ્યો હતો. ભરૂચથી 17 કિલોમીટર દુર આવેલાં પૌરાણિક યાત્રાધામ શુક્લતીર્થ ખાતે કારતક સુદ અગિયારસથી મેળો ભરાય છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી અંદાજીત 4 લાખ યાત્રીઓ મેળો મ્હાલવા ઉમટી પડતા હોય છે, જેને લઈને શુકલતીર્થ પંચાયત અને વહીવટી તંત્ર દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ કરાઈ છે. જ્યારે બહારથી આવતા યાત્રાળુઓ અને મુસાફરોનો ભારે ઘસારો રહેવાના પગલે ભરૂચ એસ.ટી.વિભાગ દ્વારા પાંચ દિવસ ચાલનાર જાત્રાને ધ્યાને લઇ યાત્રાળુઓ અને મુસાફરોની સુવિધા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.