રાજકોટ: સંતોની ભૂમિ સૌરાષ્ટ્રમાં સુરેન્દ્રનગરથી આશરે 40 કિ.મી. દૂર આવેલા ધ્રાંગધ્રા પાસે સંત દેશળ ભગતની સમાધિ સ્થળ ઉપર ભવ્ય નૂતન મંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ મંદિરનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ પાંચથી સાત માર્ચ દરમિયાન ભવ્યતા સાથે ઊજવાશે. ત્રણ દિવસ સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
આ ભવ્ય આયોજનની ઉત્સવ સમિતિના અગ્રણીઓ ભલાભાઈ ચૌહાણ અને અશોક ડાંગરે જણાવ્યું હતું કે ગુજરાતભરમાંથી આશરે ત્રણ લાખ ભાવિકો દેશળ ભગતના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ભાગ લે તેવી ધારણા છે. ભાવિકો માટે મહોત્સવમાં રહેવા અને ભોજન પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે. પાંચમીએ સવારે નવ વાગ્યે સ્વામિનારાયણ મંદિરથી ભવ્ય શોભાયાત્રા નીકળશે, જે મંદિરે પહોંચશે. મૂર્તિઓ સૌપ્રથમ યજ્ઞ શાળામાં રાખવામાં આવશે. બે દિવસ શાસ્ત્રોક્ત વિધિ સાથે પૂજા કર્યા બાદ સાતમીએ ગુરુવારે સવારે નવ વાગ્યે શિખર ઉપર કળશ ચડાવવાની સાથે મૂર્તિપ્રતિષ્ઠાની વિધિ કરવામાં આવશે અને બપોરે એક વાગ્યે આ મહોત્સવની પૂર્ણાહુતિ થશે.
આ મહોત્સવમાં રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમો થશે. 6ઠ્ઠી માર્ચે રાત્રે લોકગાયક માયા ભાઈ આહિર, ગીતા રબારી સહિતના કલાકારોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
દેશળ ભગતનો જન્મ હળવદ પાસેના એક ગામમાં થયો હતો. તેઓ સાંસારિક જીવન સાથે એક સંત તરીકે આ વિસ્તારમાં લોકસેવાના કાર્ય કરી લોકોના હદયમાં સ્થાન મેળવ્યું હતું. ધ્રાંગધ્રા નજીક 95 વર્ષ પહેલાં આ સ્થળે તેમણે સમાધિ લીધી હતી. ગુજરાતમાં તેમને ગુરુ તરીકે માનનારા લાખો લોકો છે. આ સમાધિ સ્થળે આશરે બે કરોડ રૂપિયાના ખર્ચે જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો છે. આ મહોત્સવમાં ગુજરાતના મુખ્ય મંત્રી, મંત્રીઓ અને સાધુ સંતો, સમાજના અગ્રણીઓને આમંત્રણ આપ્યાં છે. ત્રણ દિવસનો ભવ્ય ઉત્સવ ઊજવાશે.
(દેવેન્દ્ર જાની)