દેશમાં ગણેશ ઉત્સવનો માહોલ જામ્યો છે… ચોતરફ ભક્તો કે સાઉન્ડ સિસ્ટમના માધ્યમથી ગણેશજીના જયકાર સંભળાઈ રહ્યા છે ત્યારે સુરતમાં ગણેશજી ખુદ ભક્તોને સંદેશ સંભળાવી રહ્યા છે. આ શ્રીજી શહેરીજનોને સાયબર ક્રાઇમથી બચવાની કથા વાણી રૂપે કહી રહ્યા છે.
પ્રસાદમાં અપાય છે સાયબર જાગૃતિનું કાર્ડ
સુરત સાયબર ક્રાઇમ પોલીસ દ્વારા પ્રથમ વખત ગણેશ ઉત્સવનું આયોજન કરાયું છે. સાયબર ક્રાઇમ અંગે જાગૃતિ લાવવાનાં હેતુસર થયેલા આયોજન અંગે સાયબર ક્રાઇમ એસીપી યુવરાજસિંહ ગોહિલ ચિત્રલેખા.કોમને કહે છે : ‘ગુજરાતમાં પ્રથમ વખત બોલતા સાયબર ગણેશ બિરાજમાન કર્યા છે.
વધુમાં એસપી ગોહિલ કહે છે, પ્રસાદમાં સાયબર જાગૃતિનું કાર્ડ આપવામાં આવે છે. એટલુ જ નહીં ગણેશજી કહે છે હું તમને સાઇબર ફ્રોડથી બચાવી શકુ છું, ઉપરાંત દુંદાળા દેવ લોકોને સાયબર ફ્રોડ સંબધિત તમામ ઇન્ફોર્મેશન આપે છે સાથે જ એમાંથી બચવાના ઉપાય પણ બતાવી રહ્યા છે. આ આયોજન માટે છેલ્લા એક મહિનાથી તૈયારી કરવામાં આવી હતી. આ આખા આયોજન પાછળ સાયબર પોલીસના ૯૦ જેટલા પોલીસ કર્મીઓએ મહેનત કરી છે.’
ગણેશજી ખાખી વર્દીમાં લોકોને જ્ઞાન બોધ આપે છે
અહીં પાંચ ફૂટની ગણેશજીની મૂર્તિને પોલીસના રૂપમાં બિરાજમાન કરાઈ છે. આખા પંડાલમાં સાયબર જાગૃતિના બેનર અને સૂત્રો લાગેલા છે. મૂર્તિને બોલતા ગણેશજી નામ એટલે અપાયુ કેમ કે ખુદ ગણેશજી સાયબર જાગૃતિ માટે ખાખી વર્દીમાં લોકોને જ્ઞાન બોધ આપી રહ્યા છે. સાથે ૪૨ ઇંચનું એલઇડી મૂકીને એમાંથી ગણેશનો અવાજ લોકો સુધી પહોંચાડાય છે.
મારો પ્રસાદ લેવાનું ભૂલશો નહીં
જેમાં ગણેશજી ભક્તોને કહી રહ્યા છે કે ” પ્રિય ભક્તો તમે મને પંડાળમાં જુદા જુદા સ્વરૂપે જુઓ છો પણ તમે ક્યારેય મારો અવાજ સાંભળ્યો છે? સુરત શહેર પોલીસ સાયબર સેલના ગણેશ ઉત્સવમાં હું તમારી સાથે વાત પણ કરીશ અને તમે સાયબર ક્રાઇમનો ભોગ ન બનો એ માટે મહત્વની વાત તમારી સાથે શેર પણ કરીશ. આ વર્ષના ગણેશ ઉત્સવમાં હું સુરતને સાયબર સેઈફ સુરત બનાવવાના આર્શીવાદ આપવા આવ્યો છું. તો હું તમારી રાહ જોઉં છું આવો મારા દર્શને. અને હા મારો પ્રસાદ લેવાનું ભૂલશો નહીં.”
પ્રસાદી સ્વરૂપે ક્યુઆર કોર્ડ સાથેના કાર્ડ
ગણેશ ઉત્સવનું આયોજન હોય એટલે પ્રસાદી તો હોય જ. પણ આ અનોખું આયોજન છે એટલે પ્રસાદી પણ અનોખી જ હોવાની ને. અહીં ભક્તોને પ્રસાદી સ્વરૂપે ક્યુઆર કોર્ડ સાથેના કાર્ડ આપવામાં આવે છે. મોબાઇલમાં આ ક્યુઆર કોર્ડ સ્કેન કરવાથી ઓનલાઇન ફ્રોડથી કેવી રીતે બચી શકાય તેની વિડીયો સાથેની માહિતી મળે છે. એટલું જ નહીં સમગ્ર પંડાલમાં પણ ક્યુઆર કોર્ડ ચિત્રિત અવેરનેસવોલ પણ તૈયાર કરવામાં આવી છે.
પોલીસ કરતાં લોકો બાપાને બહુ માને છે
ગણેશ ચતુર્થીના પાવન અવસરે બોલતા સાયબર ગણેશની સ્થાપના કર્યા બાદ સુરત પોલીસ કમિશનર અજય કુમાર તોમરે કહ્યુ હતું કે, પોલીસ કરતાં લોકો બાપાને બહુ માને છે. ત્યારે સાયબર ફ્રોડ વિશે જો ગણેશજી ખુદ કહેશે તો લોકો ચોક્કસ માનશે અને ફ્રોડ થતા બચશે. આ રીતે આ બાબતે મોટી જાગૃતી આવશે.
અરવિંદ ગોંડલિયા (સુરત)
