તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ નિયમમાં સરકારે કર્યો આ ફેરફાર

ગાંધીનગર- રાજ્ય સરકારે તબીબી અભ્યાસક્રમોમાં પ્રવેશ નિયમ બાબતે ફેરફાર જાહેર કર્યો છે.ગુજરાતના હોંશિયાર વિદ્યાર્થીઓને વધુ લાભ મળે તે માટે મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓને જ વર્ષ-ર૦૧૮ થી પ્રવેશ માટે લાયક ગણવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. નાયબ સીએમ નિતીન પટેલે જણાવ્યું હતું કે સ્નાતકકક્ષાની મેડિકલની કુલ 4000, ડેન્ટલની 1155, આયુર્વેદની 1820, હોમિયોપેથીની 3250 અને નેચરોપેથીની 60 મળી કુલ ૧૦,૦૦૦થી વધુ બેઠકો છે. તેમાં પ્રવેશ માટે પ્રવેશ સમયે વિદ્યાર્થીઓએ અધિકૃત સક્ષમ અધિકારી દ્વારા અધિનિવાસ પ્રમાણપત્ર -ડોમિસાઇલ સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે.

આ નિયમ મુજબ ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયાનું કાર્ડ ધરાવતાં અને મૂળ ગુજરાતના અધિનિવાસી હોય તેવા વિદ્યાર્થીઓ એનઆરઆઇ બેઠકો ઉપરાંત હવેથી સરકારી બેઠકો પર પ્રવેશ માટે પણ લાયક ગણાશે. પ્રવેશ સમયે વિદ્યાર્થીઓએ સક્ષમ અધિકારીનું અધિનિવાસ પ્રમાણપત્ર (ડોમીસાઇલ સર્ટીફીકેટ) રજૂ કરવાનું રહેશે.

 

ગુજરાત બોર્ડ, સેન્ટર બોર્ડ, કાઉન્સિલ ઓફ ઇન્ડિયન સ્કૂલ સર્ટિફીકેટ, એકઝામિનેશન બોર્ડ ઉપરાંત ઇન્ટરનેશનલ સ્કૂલ બોર્ડ-ઇન્ટરનેશનલ બકાલોરીએટ એન્ડ કેમ્બ્રીજ તેમ જ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગની સાથે સંલગ્ન હોય તેવી ગુજરાતમાં આવેલી શાળાઓમાંથી ધોરણ-12 પાસ કરેલ વિદ્યાર્થીઓને પણ જો તેઓ નીટ પાસ કરે તો તબીબી અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્ર ગણાશે. મૂળ ગુજરાતના અધિનિવાસી હોય અને રાજય બહાર સેવાઓઆપી રહ્યા હોય તેવા સંરક્ષણના તમામ દળોના કર્મચારીઓ/અધિકારીઓના બાળકો પણ પ્રવેશ માટે પાત્ર ગણાશે.

 

જે વિદ્યાર્થીઓએ અગાઉના વર્ષમાં પ્રવેશ સમિતિ દ્વારા કોઇ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવેલ હોય અને ફરીથી નીટની પરીક્ષા પાસ કર્યા બાદ અન્ય અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા ઇચ્છા ધરાવતા હોય તેવા વિદ્યાર્થીઓએ હાલમાં જે અભ્યાસક્રમ ચાલુ હોય તે અભ્યાસક્રમની ફી રેગ્યુલેટરી કમિટીએ નકકી કરેલી તમામ વર્ષોની ફી ભરીને સંબંધિત સંસ્થા પાસેથી ‘‘ના વાંધા પ્રમાણપત્ર’’ અને અસલ પ્રમાણપત્રો રજૂ કર્યે પ્રવેશ સમિતિ દ્વારા ફરીથી નવો પ્રવેશ મેળવવા માટે પાત્ર ગણાશે.