કોંગ્રેસને બે દિવસમાં ત્રીજો આંચકોઃ વધુ એક MLAએ રાજીનામું આપ્યું

અમદાવાદઃ રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં કોંગ્રેસને એક સાંધો ત્યાં 13 તૂટે જેવો ઘાટ છે.  રાજ્યની ચૂંટણી પહેલાં કોંગ્રેસને બે દિવસમાં ત્રીજો આંચકો લાગ્યો છે. એક વધુ વિધાનસભ્યએ પાર્ટીમાં રાજીનામું આપ્યું છે. ઝાલોદના કોંગ્રેસના વિધાનસભ્ય ભાવેશ કટારાએ પક્ષમાંથી રાજીનામું ધરી દીધું છે. આ પહેલાં કોંગ્રેસના વિધાનસભ્ય મોહનસિંહ રાઠવા અને ભગા ભરાડે પાર્ટીમાંથી રાજીનામાં આપ્યાં છે. આ ત્રણ ધારાસભ્યો થઈને અત્યાર સુધીમાં કોંગ્રેસના 20 જેટલા ધારાસભ્યોએ પાર્ટી છોડી છે. 

જસદણના ધારાસભ્ય કુંવરજી બાવળિયા, ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, માણાવદરના ધારાસભ્ય જવાહર ચાવડા, ડાંગના ધારાસભ્ય મંગલ ગાવિત, કપરાડાના ધારાસભ્ય જિતુ ચૌધરી, ધાંગધ્રાના ધારાસભ્ય પરસોતમ સાબરિયા, રાધનપુરના ધારાસભ્ય અલ્પેશ ઠાકોર, બાયડના ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, ગઠડાના ધારાસભ્ય પ્રવીણ મારૂ, મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજા, લીમડીના ધારાસભ્ય સોમા પટેલ, ઉંજાના ધારાસભ્ય આશા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમસિંહ જાડેજા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ, જામનગર શહેરના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, ખેડબ્રહ્માના ધારાસભ્ય અશ્વિન કોટવાલ, વિસાવદરના ધારાસભ્ય હર્ષદ રિબડિયા, છોટા ઉદેપુરના ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અને તાલાલા ધારાસભ્ય ભગા બારડ અને કોંગ્રેસમાંથી  રાજીનામું આપીને ભાજપનો ભગવો ધારણ કર્યો છે. આ સાથે ઝાલોદના કોંગ્રેસ MLA ભાવેશ કટારા પણ ભાજપમાં સામેલ થાય એવી વકી છે.

ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિએ ગઈ કાલે મોડી રાત સુધી ચાલેલી બેઠકમાં 160 ઉમેદવારોનાં નામોને મંજૂરી આપી છે. ભાજપે આ વખતે 40 ટકા વિધાનસભ્યોની ટિકિટ કાપી નાખી છે અને 40 નવા ચહેરા ઉતાર્યા છે.