અમદાવાદા: આગામી 26 ફેબ્રુઆરીએ મહાશિવરાત્રિનો મહા પૂર્વ છે. શિવ ભગવાનનો મોટો તહેવાર હોવાથી દેશભરમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. શિવરાત્રિ નજીક આવતા ગુજરાત સહિત દેશમાં ઠંડીની ધીમા પગલે વિદાય નોંધાય રહી છે. આ વચ્ચે વધુ એક સક્રિય પશ્ચિમી વિક્ષોભનની અસરથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં તારીખ 25થી 27 ફેબ્રુઆરીએ ભારે વરસાદ, બરફવર્ષાની આગાહી કરાઈ રહી છે. જોકે આવા સંજોગો હવોથી પૂર્વ ભારતમાં આજે એટલે કે 22-23 ફેબ્રુઆરીના રોજ ગાજવીજ સાથે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ હતી. અનેક રાજ્યોમાં તીવ્ર પવન, વીજળી સાથે હવામાનમાં પલટો આવશે પરંતુ, ગુજરાતને હાલના સંજોગો મુજબ ઓછી અસર થશે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે 24 ફેબ્રુઆરીની રાત્રે વધુ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ઉત્તર પશ્ચિમ ભારતનું હવામાન થોડું બગડવાની શક્યતા વ્યક્ત કરી છે. ઉલ્લેખનીય છે કે કેન્દ્રીય હવામાન વિભાગ પ્રમાણે 25થી 27 ફેબ્રુઆરીએ જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, લદ્દાખ, ઉત્તરાખંડમાં ભારે વરસાદ-બરફવર્ષાની તેમજ પંજાબ, હરિયાણા, ચંડીગઢ અને પશ્ચિમ રાજસ્થાનમાં પણ હળવા-મધ્યમ વરસાદનું ઍલર્ટ અપાયું છે. જેથી ઉત્તર-પશ્ચિમ ભારતમાં બપોરનું મહત્તમ તાપમાન વધવા સાથે ગરમીનો અહેસાસ થવાની અને ગુજરાતમાં બે દિવસ હાલનું હવામાન જારી રહેવા બાદ તાપમાનમાં 3 સેલ્સિયસ સુધી વધારો થવાની આગાહી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી અનુસાર 24થી 28 ફેબ્રુઆરી દરમિયાન અને ત્યારબાદ 7થી 10 માર્ચ દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ ખાબકી શકે છે. માર્ચ મહિનામાં ગરમીની શરુઆત થતી હોય છે. ત્યારે કસમોસમી વરસાદ નુકસાન નોતરી શકે છે. કમોસમી વરસાદના લીધે ઉનાળુ પાક, બાજરી, મકાઈ વગેરેને નુકસાન પહોંચી શકે છે. પ્રથમ તબક્કામાં ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડવાની શક્યતાઓ છે. રાજ્યના કેટલાક ભાગોમાં વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદ પડી શકે છે.
