ભાજપના દિગ્ગજ નેતાએ RBIના નવા ગવર્નર વિશે ખૂબ જગાવી ચર્ચા…

અમદાવાદ-ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વ માટે રાજ્ય ચૂંટણી પરિણામોને લઇને સાંત્વના મેળવવાનો સમય છે ત્યાં બીજીતરફ ગુજરાત ભાજપના અગ્રગણ્ય નેતા દ્વારા મોદી સરકારે કરેલી આરબીઆઈ જેવી મહત્ત્વની સંસ્થાના ગવર્નરની નિમણૂકને લઇને ચર્ચાસ્પદ ટીપ્પણીએ માહોલ ગજવી દીધો છે.
ભાજપ સરકારમાં એકસમયે આરોગ્યપ્રધાન એવા વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે આજે આરબીઆઈના ગવર્નરની નિમણૂક મામલે ટ્વીટ કર્યું હતું. જેમાં લખ્યું છે કે ‘આરબીઆઈ કયાંક ઈતિહાસ ન બની જાય’. વાચકોને જાણ છે એમ આરબીઆઈ ગવર્નરપદેથી તાજેતરમાં ઊર્જિત પટેલે રાજીનામું ધરી દીધું છે. જેની પાછળ અનેક વિવાદો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. તેમના સ્થાને કેન્દ્ર સરકારે શક્તિકાંત દાસની નિમણૂક કરી છે.
આરબીઆઈના નવા ગવર્નર શક્તિકાંત દાસનો અભ્યાસ એમએ વીથ હીસ્ટ્રી-ઈતિહાસ છે. આ પ્રકારનો આર્થિક બાબતો સિવાયનો અભ્યાસ કરેલ વ્યક્તિને કેન્દ્ર સરકારે આરબીઆઈના ગવર્નર બનાવ્યાં છે, જેથી કેન્દ્ર સરકારના નિર્ણય પર સોશિઅલ મીડિયામાં ખૂબ હાંસી ઉડી રહી છે. ત્યારે ભાજપના જ વરિષ્ઠ નેતા જયનારાયણ વ્યાસે કરેલી ટીકા રાજકીય તેમ જ માધ્યમોમાં ખૂબ ચર્ચાસ્પદ બની રહી હતી કે કયાંક આરબીઆઈ ઈતિહાસ ન બની જાય.