ચોટીલા: દર વર્ષે મોટી સંખ્યામાં લોકો નવા વર્ષની શરૂઆત માતાજીના દર્શનથી શરૂ કરે છે. જેના કારણે બેસતા વર્ષના દિવસે ચોટીલાના ચામુંડા માતાના મંદિરે ભક્તોનો ભારે ઘસારો પણ જોવા મળે છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ મોટી સંખ્યામાં ભક્તો નવા વર્ષે માતાજીના દર્શને આવે તેવી સંભાવના છે. ત્યારે મંદિરના ટ્રસ્ટ તરફથી મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. ચોટીલામાં નવા વર્ષ નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.
ચોટીલામાં ચામુંડા માતાજીના મંદિરના કપાટ 2 નવેમ્બર બેસતા વર્ષના દિવસે સવારે ચાર વાગ્યે ખુલશે અને પરોઢિયે આરતી સવારે 4:30 વાગ્યે કરવામાં આવશે. લાભ પાંચમ સુધી પરોઢિયે થતી આરતીનો સમય આ પ્રમાણે જ રહેશે. કારતક સુદ છઠ્ઠ એટલે 7 નવેમ્બરથી કારતક સુધ ચૌદ એટલે 14 નવેમ્બર સુધી મંદિરના કપાટ સવારે 4:30 વાગ્યે ખુલશે અને સવારની આરતનો સમય સવારે 5:00 વાગ્યાનો રહેશે. આ સિવાય તમામ દિવસે સંધ્યા આરતીનો સમય દરરોજ રાબેતા મુજબ સૂર્યાસ્તનો જ રહેશે.