અમદાવાદઃ રાજ્યમાં હીરા વેપારની માઠી દશા બેઠી છે. રશિયા-યુક્રેન અને ઇઝરાયલ હમાસ યુદ્ધને કારણે રાજ્યના હીરાની માગમાં ઘટાડો થયો છે. માગ ઘટવાથી હીરા ઉદ્યોગ મુશ્કેલીમાં મુકાયો છે. જેને પગલે હીરાના કારખાનાઓમાં કારીગરોની છટણી કરવામાં આવી રહી છે અને હજ્જારો શ્રમિકો પર છટણીની તલવાર લટકી રહી છે. સુરત શહેર છ લાખ કારીગરોને રોજગારી પૂરી પાડે છે.
હાલમાં વિશ્વની સૌથી મોટી હીરાનું ઉત્પાદન કરતી કંપની જેમ્સ એન્ડ ડાયમન્ડસ સહિત સુરતમાં અનેક હીરા યુનિટ્સે 17 ઓગસ્ટથી 28 ઓગસ્ટ સુધી 10 દિવસો માટે કામગીરી બંધ કરવાનો નિર્ણય કર્યો છે. અનેક કંપનીઓએ કારીગરોને લાંબી રજાઓ લેવાનો વિકલ્પ આપ્યો છે અને કામ કરવાના કલાકો ઓછા કરવા કે કામકાજના દિવસોમાં ઘટાડો કરવાનો નિર્ણય કર્યો છે. હાલમાં કંપનીઓ પાસે માલભરાવો, ઘટતી કિંમત અને જિયો પોલિટિકલ ટેન્શનને કારણે ઘટતી નિકાસ છે.
હાલમાં સુરતમાં હીરાના 3500 કારખાનાં ચાલુ છે. સુરતના હીરા ઉદ્યોગમાં આશરે આઠ લાખ શ્રમિકો કાર્યરત છે, જે 500થી વધુ એકમોના માધ્યમથી દેશના 80 ટકા કાચા હીરાનું કટિંગ, પોલિશિંગનું કામ કરે છે. દેશમાં રશિયાથી વાર્ષિક આશરે 80,000 કરોડના રફ ડાયમન્ડ ઇમ્પોર્ટ થાય છે. યુક્રેનની સાથે યુદ્ધમાં વ્યસ્ત હોવાથી રશિયાની હીરાની આયાત ઘટી છે. એનાથી સુરતમાં હીરા કારીગરોની પાસે કામ નથી. એક અંદાજ અનુસાર રફ ડાયમંડની આયાત 29 ટકા ઘટી ગઈ છે.
ભારતીય રત્ન અને આભૂષણ ઉદ્યોગમાં ભારે મંદીનો દોર પણ ચાલી રહ્યો છે, જેની કુલ નિકાસ 32.02 અબજ ડોલર (રૂ. 263 લાખ કરોડ) રહી છે, જે પાછલા વર્ષની તુલનાએ 15 ટકા ઘટી છે. જે ત્રણ વર્ષના નીચલા સ્તરે છે.