ગુજરાત આમાં પણ પ્રથમ છેઃ સ્ત્રી જન્મદર ખતરનાક હદે ઘટી ગયો

અમદાવાદ- સતત ઘટી રહેલી સ્ત્રી જન્મદરની સંખ્યાના આંકડાઓમાં ગુજરાત પ્રથમ આવ્યું છે. એક રીપોર્ટ પ્રમાણે દેશના મોટા 21 રાજ્યોમાંથી 17માં લિંગાનુપાતના આંકડા અસંતુલિત થઇ ગયાં છે. જેમાં સૌથી વધુ 53 સંખ્યાની કમી સાથે ગુજરાત પ્રથમ આવ્યું છે.નીતિ આયોગે પોતાના રીપોર્ટમાં આપેલી જાણકારી પ્રમાણે ગુજરાતની સ્થિતિ સૌથી વધુ ચિંતાજનક છે. જ્યાં દર હજાર પુરુષ બાળકની સરખામણીમાં 854 બાળકીઓનો જન્મ થઇ રહ્યો છે. ગુજરાતમાં આ પહેલાં સ્ત્રી જન્મદર 907 હતો. 2012થી લઇ 1014 સુધીના આંકડામાં 53 સ્ત્રી જન્મ ઘટી ગયાં છે.

જ્યારે નીતિ આયોગના જણાવ્યાં પ્રમાણે 17 રાજ્યોમાં સરેરાશ લિંગાનુપાતમાં 10 અંકની કમી જોવા મળી છે.

હેલ્થી સ્ટેટ્સ-પ્રોગ્રેસિવ ઇન્ડિયાના રીપોર્ટ પ્રમાણે ગુજરાત સિવાય બીજા નંબરે હરિયાણામાં સ્ત્રી જન્મદરમાં 35નો ઘટાડો થયો છે. રાજસ્થાનમાં 32, ઉત્તરાખંડમાં 27, મહારાષ્ટ્રમાં 18, હિમાચલ પ્રદેશમાં 14, છત્તીસગઢમાં 12 તેમ જ કર્ણાટકમાં 11 બાળકીઓ ઓછી જન્મી રહી છે.

નીતિ આયોગે ચિંતાજનક સ્તરે ઘટી રહેલાં સ્ત્રી જન્મદર અંગે રાજ્યોને સાવચેત કરતાં જણાવ્યું છે કે દીકરીઓના જન્મના મહત્ત્વને સમજવું પજશે અને લોકોમાં કેળવણી પ્રવૃત્તિઓ કરવાથી લિંગાનુપાતમાં સુધારો આવી શકશે. રીપોર્ટમાં જણાવાયું છે કે તેવા પ્રયત્નોને લઇને પંજાબમાં આ વખતે 19 સ્ત્રી જન્મદર સુધારો થઇ શક્યો છે. ઉત્તરપ્રદેશમાં 10 અને બિહારમાં પણ 9 સ્ત્રી જન્મદર વધારો નોંધાયો હોવાનું નીતિ આયોગે જણાવ્યું હતું.