અયોધ્યા મંદિર વિવાદ: શિયા વક્ફ બોર્ડે કહ્યું શ્રીશ્રી રવિશંકરનો પ્રસ્તાવ મંજૂર નહીં

લખનઉ- રામ મંદિર અયોધ્યા વિવાદને લઈને શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડે શ્રીશ્રી રવિશંકરના આઉટ ઓફ કોર્ટ સેટલમેન્ટના પ્રસ્તાવને નામંજૂર કર્યો છે. શિયા બોર્ડે જણાવ્યું છે કે, તેઓ પોતાના નિર્ણય પર અડગ છે કે, મસ્જિદ-એ-અમનનું નિર્માણ લખનઉમાં જ કરવામાં આવે.શિયા સેન્ટ્રલ બોર્ડ તરફથી જારી કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં જણાવવામાં આવ્યું છે કે, શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડનો બહુમતિથી કરવામાં આવેલો નિર્ણય સ્પષ્ટ છે કે, વિવાદીત સ્થળ ઉપરથી બાબરી મસ્જિદ હટાવી લેવામાં આવે અને 14 કોસી પરિક્રમાના વિસ્તારમાં કોઈ મસ્જિદનું નિર્માણ કરવામાં આવે નહીં.

શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડના ચેરમેન વસીમ રિઝવીએ જણાવ્યું કે, શિયા બોર્ડ તેના નિર્ણય પર અડગ છે. શિયા સેન્ટ્રલ બોર્ડે સ્પષ્ટ જણાવ્યું છે કે, શ્રીશ્રી રવિશંકરનો જે પ્રસ્તાવ મીડિયાના માધ્યમથી અમારી સામે આવ્યો છે, શિયા બોર્ડ તેને સંપૂર્ણરીતે નકારે છે. શિયા બોર્ડનો નિર્ણય છે કે, મસ્જિદ-એ-અમનનું નિર્માણ લખનઉમાં જ કરવામાં આવે.

આપને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલાં શિયા સેન્ટ્રલ વક્ફ બોર્ડની જનરલ મિટિંગમાં એ વાતનો નિર્ણય કરવામાં આવ્યો હતો કે, બાબરી મસ્જિદનું નામ મસ્જિદ-એ-અમન કરવામાં આવશે અને મસ્જિદને અયોધ્યાથી હટાવી લખનઉમાં નિર્માણ કરવામાં આવશે જેથી હિન્દૂ અને મુસ્લિમ સમુદાય વચ્ચે કોઈ પ્રકારનો મતભેદ રહે નહીં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]