શાળા-પ્રવેશોત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બન્યો: જિતુ વાઘાણી  

અમદાવાદઃ રાજ્યમાં ત્રિદિવસીય યોજાયેલા ૧૭મા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને મળેલા અપ્રતિમ સહયોગ અને કાર્યક્રમને મળેલી સફળતાનું શ્રેય જનતાને આપતાં શિક્ષણપ્રધાન જિતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે આ વર્ષે નાગરિકોએ આ કાર્યક્રમમાં દાખવેલો ઉત્સાહ અનેરો હતો. રાજ્યની ૩૦,000થી વધુ શાળાઓમાં યોજાયેલા ત્રિદિવસીય કાર્યક્રમમાં ૪૫ લાખથી વધુ વિદ્યાર્થીઓ સહિત એક કરોડ નાગરિકો ઉત્સાહભેર સહભાગી બન્યા અને તેને કારણે જ આ ઉત્સવ સાચા અર્થમાં સમાજોત્સવ બની રહ્યો હતો.

તેમણે ઉમેર્યુ હતું કે ૨૦ વર્ષથી યોજાતા કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવને પરિણામે રાજ્યમાં બાળકોનો એનરોલમેન્ટ રેશિયો ૧૦૦ ટકાની ખૂબ જ નજીક પહોંચ્યો છે અને તેની સામે ડ્રોપ આઉટ રેશિયો પણ ઘટ્યો છે.

તેમણે જણાવ્યું હતું કે શાળા પ્રવેશોત્સવની ૧૭મી શૃંખલામાં ૫.72 લાખ બાળકોનો ધોરણ-૧માં પ્રવેશ જનભાગીદારીના ઉત્સાહમય વાતાવરણમાં કરાવવામાં આવ્યો છે, જેમાં ધોરણ-એકમાં ર,૮૦,૪૭૮ દીકરીઓ તથા ર,૯૧,૯૧૨ કુમારોનું શાળાઓમાં નામાંકન થયું છે. એ ઉપરાંત ત્રણ દિવસમાં ૧,૦૫૯ કુમાર અને ૭૧૬ કન્યા મળી કુલ ૧,૭૭૫ દિવ્યાંગ બાળકોના નામાંકન થયા છે.

આ અભિયાન અંતર્ગત રાજ્યની આંગણવાડીઓ- બાલ મંદિરમાં પ્રારંભિક શિક્ષા માટે ર,૩૦,૭૩૨ ભૂલકાંઓનો પ્રવેશ કરાવવામાં આવ્યો છે. જે અંતર્ગત ત્રણ દિવસમાં કુલ ૨,૮૦,૪૭૮ કન્યાઓએ ધો. એકમાં અને ૧.૧૨ લાખ બાળાઓએ આંગણવાડી- બાલમંદિરમાં પ્રવેશ મેળવ્યો છે. એટલુ જ નહિ મહાનુભાવો દ્વારા પ્રવેશોત્સવની સાથોસાથ વૃક્ષારોપણ કરીને ૧,૫૮,૮૨૦ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું છે.

મુખ્ય પ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ પ્રધાનમંડળના સભ્યો, પદાધિકારીઓ સહિત ઉચ્ચ અધિકારીઓની ઉપસ્થિતિમાં યોજાયેલા શિક્ષણના આ મહાયજ્ઞમાં નાગરિકોએ આપેલા સહયોગ બદલ જનતાનો તેમણે આભાર માન્યો હતો.