બાયડઃ ઉતર ગુજરાતમાં કિસાન સર્વોદય યોજનાનો મુખ્ય પ્રધાન વિજયભાઈ રૂપાણીને હસ્તે અરવલ્લીથી પ્રારંભ થયો હતો. ચાલુ મહિનાના અંત સુધીમાં રાજ્યના 4000 ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, જેથી આ યોજના હેઠળ ખેડૂતોને દિવસ દરમ્યાન પણ ખેતી માટે વીજપુરવઠો મળી રહેશે. રાજ્યમાં રાજ્ય વિધાનસભાની સામાન્ય ચૂંટણીઓ યોજાશે, એ પહેલાં વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યનાં તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે, એમ તેમણે કહ્યું હતું.
વડા પ્રધાન મોદીએ ગયા વર્ષે સૂર્યોદય યોજનાનું ઉદઘાટન કર્યું હતું, જેમાં પ્રથમ તબક્કામાં એક લાખ ખેડૂતોને આવરી લેવામાં આવ્યા હતા, જ્યારે બીજા તબક્કામાં આ યોજનાનો 1.90 લાખ ખેડૂતોને લાભ મળશે. આ યોજના હેઠળ રાજ્ય સરકાર રૂ. 35000 કરોડના ખર્ચે નવી ટ્રાન્સમિશન લાઇન અને સબ-સ્ટેશન સ્થાપિત કરશે.ખેડૂતોને ત્રણમાંથી એક શિફ્ટમાં ખેતી માટે વીજળી મળે છે, તેમને સપ્તાહના બધા દિવસ દરમ્યાન યોજના હેઠળ ખેતી માટે વીજપુરવઠો મળી રહેશે.
આ યોજના હેઠળ આ મહિનાના અંત સુધીમાં રાજ્યના 4000 ગામડાં દૈનિક ધોરણે ખેતી માટે વીજપુરવઠો મળશે. વર્ષ 2022 સુધીમાં રાજ્યનાં તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.
