અમદાવાદઃ ઉત્તરાયણને આડે માંડ થોડા દિવસો રહ્યા છે, જેમાં લોકોના પક્ષીઓના જીવને ધ્યાનમાં રાખવાની એક રિટ પિટિશન કરવામાં આવી હતી. જે અંતર્ગત ચાઇનીઝ દોરાના વપરાશ સામે પગલાં લેવાની માગ કરવામાં આવી હતી. જોકે રાજ્યમાં ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક જીવલેણ દોરી વેચાય છે. તો બીજી તરફ છેલ્લા કેટલાક દિવસોથી આ દોરીથી કેટલાક લોકોના જીવ ગયા છે. ત્યારે આ મામલે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી છે. ઉત્તરાયણમાં ચાઇનીઝ દોરી, નાઇલોન દોરી અને ચાઇનીઝ તુક્કલ પર પ્રતિબંધની સરકાર કઈ રીતે અમલ કરાવી રહી છે તેનો હાઇકોર્ટે સરકાર પાસેથી ખુલાસો માગ્યો છે અને બે દિવસમાં સોગંદનામા પર જવાબ રજૂ કરવા હાઇકોર્ટે આદેશ કર્યો છે.
ગુજરાત હાઇકોર્ટે ચાઇનીઝ દોરી મામલે કડક વલણ અપનાવ્યું છે. ચાઈનીઝ દોરી, નાઇલોન દોરી તથા તુક્કલના વેચાણ મુદ્દેની કાર્યવાહી પર હાઈકોર્ટે સરકાર પાસે ખુલાસો માગ્યો છે. આ મામલે સુનાવણીમાં હાઈકોર્ટે લાલ આંખ કરતાં ક્હ્યું હતું કે ઘાતક દોરીથી નાગરિકોનાં મોત કે ઈજા થાય તે નહીં ચલાવી લેવાય. ચાઈનીઝ દોરી અને નાઇલોન દોરી તેમ જ ચાઇનીઝ ટુક્કલના કારણે લોકોને થતી ઇજાઓ અને મૃત્યુ તેમ જ સર્જાતા અકસ્માતને રોકવા માટે યોગ્ય પગલાં ભરવાની માગ કરતી પિટિશનમાં કોર્ટે આ હુકમ કર્યો છે.
હાઈકોર્ટે સરકારને કહ્યું હતું કે ચાઇનીઝ દોરી અને નાઇલોન દોરા પર પ્રતિબંધ મૂકતું જાહેરનામું બહાર પાડવું પૂરતું નથી, તેનો અમલ થાય એ જરૂરી છે તેવું હાઈકોર્ટે અવલોકન કર્યું હતું. આ મામલે હાઈકોર્ટે બે દિવસમાં સરકારને જવાબ રજૂ કરવા આદેશ કર્યો છે. આ મામલે વધુ સુનાવણી 6 જાન્યુઆરીએ હાથ ધરવામાં આવશે.