અમદાવાદઃ રાજ્યમાં ફાયર સુરક્ષા માટે હાઈકોર્ટમાં દાખલ થયેલી સુઓમોટો અરજી પર સુનાવણી શરૂ થઈ હતી, જેમાં હાઇકોર્ટે AMC પૂરતી વિગતો રજૂ નહીં કરતાં કોર્ટે કોર્પોરેશનની કરી તીખી આલોચના કરી હતી. હાઈકોર્ટે ફાયર સુરક્ષાના યોગ્ય અમલ મુદ્દે રાજ્ય સરકારની ઝાટકણી કાઢી છે. હાઈકોર્ટે સરકાર સામે લાલ આંખ કરતાં જણાવ્યું હતું કે સરકાર પાસે કોઈ ફાયર BU પરમિશનની માહિતી જ નથી.
સરકાર પાસે ટેકસ વસૂલાત માટે ડેટા છે પણ ફાયર સેફટી માટે નથી. ફાયર સુરક્ષાના અભાવે ઇમારત અને એકમોને સીલ કરવામાં આવે છે, પરંતુ એની સામે યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. તો પછી એકમને સીલ મારવાનો શો મતલબ હોઈ શકે, એમ હાઇકોર્ટે કહ્યું હતું.
હાઈકોર્ટે વધુમાં કહ્યું હતું કે સરકારી મિલકતોમાં પણ ફાયર સુરક્ષાનો અભાવ છે. જૂના અને નવા સચિવાલય, પોલીસ ભવન અને ગુજરાત ફોરેન્સિક લેબમાં પણ ફાયર સુરક્ષાનો અભાવ છે.
હાઇકોર્ટે કોર્પોરેશનને કડક શબ્દોમાં કહી દીધું કે, BU પરમિશમ વગરની તમામ જગ્યા એ કાર્યવાહી કરો કોઈ અણબનાવ બને એની રાહ જોવાની છે? માત્ર ફાયર NOC, પર નહીં BU પરમિશન પર પણ ભાર મૂકો.
હાઇકોર્ટે સવાલ કર્યો હતો કે છેલ્લાં 20 વર્ષથી શું કર્યું, એ કહોને? અમે કહીએ એટલે જ કાર્યવાહી કરવાની કે કોઇ PIL ન કરે ત્યાં સુધી કંઈ નહીં કરવાનું? હવે સ્કૂલ ખૂલતાં પહેલાં એની ફાયર NOCની તપાસ કરો અને BU પરમિશન પણ છે કે નહીં તપાસો. તમામ હોસ્પિટલમાં ફાયર NOC ફરજિયાત જોઈએ. હાઇકોર્ટે વધુમાં કહ્યું હતું કે હોસ્પિટલને કહો કે હોસ્પિટલની બહાર એક બોર્ડ લગાવે કે અમારી જોડે ફાયર NOC નથી પછી જોવો કોણ એડમિટ થાય છે?