અમદાવાદ: રાજ્યમાં ઉનાળાની ગરમી વર્તાવા શરૂ થઈ ચૂક્યુ છે. થોડા દિવસોથી વધતા તાપ પર આંશિક અંકુશ લાગવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં તાપમાનમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. ઉલ્લેખનીય છે કે, પવનની દિશા બદલાતા તાપમાનનો પારો ગગડ્યો છે. હાલ ગુજરાતમાં ઉત્તરથી પૂર્વનો ફૂંકાય રહ્યો છે. રાજ્યમાં સરેરાશ તાપમાન ઘટતા ગ્રામ્ય વિસ્તાર અને દરિયા કિનારાના સ્થાનો પર વધુ ઠંડક જોવા મળશે.
રાજ્યના શહેરી વિસ્તારોમાં પણ લોકોને કાળઝાળ ગરમીથી આંશિક રાહત મળશે. હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી પાંચ દિવસ સુધી લોકોને ગરમીના પ્રકોપથી રાહત મળશે. પરંતુ એપ્રિલની શરૂઆતથી જ તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર જોવા મળી શકે છે. રાજ્યમાં આ વર્ષે માર્ચ મહિનાના આરંભમાં જ મે જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અને હવે મધ્ય માર્ચમાં ગરમીનું પ્રમાણ ઘટ્યું છે. હોળી તહેવાર અગાઉ સરેરાશ 40 થી 42 ડિગ્રીની આસપાસ તાપમાન હતું અને હવે હોળી તહેવાર બાદ સરેરાશ તાપમાનમાં 4 ડિગ્રીનો ઘટાડો નોંધાયો.
આંકડાકિય માહિતી પ્રમાણે રાજકોટમાં સૌથી વધુ 38 ડિગ્રી તાપમાન નોંધાયું. જ્યારે મહુવામાં સૌથી ઓછું 35.4 તાપમાન નોંધાયું. અન્ય મોટા શહેરોનું તાપમાન સરેરાશ 35 ડિગ્રીની આસપાસ જોવા મળ્યું.આ ઉપરાંત અમદાવાદમાં 36.9, ગાંધીનગરમાં 36 ડિગ્રી, ડીસામાં 36.2, વડોદરામાં 36.4 ડિગ્રી, સુરતમાં 36.4, ભુજમાં 36.2 ડિગ્રી,અમરેલીમાં 37.4, પોરબંદરમાં 35.1 ડિગ્રી, ભાવનગરમાં 34.7, સુરેન્દ્રનગરમાં 37.7 ડિગ્રી, અને કેશોદમાં 36.5 ડિગ્રી તાપમાન નોંધાયું.
