અમદાવાદઃ રાજ્યમાં કોરોનાની હોસ્પિટલોના આગ લાગવાના બનાવો પછી ફાયર એનઓસીના વિવાદ વચ્ચે સરકાર દ્વારા હવે રાજ્યભરમાં બહુમાળી ઇમારતોને વર્ષમાં બે વખત ફાયર નિરીક્ષણ કરાવવાનું ફરજિયાત બનાવવામાં આવ્યું છે, નહીં તો બિલ્ડિંગ સીલ કરી દેવામાં આવશે. હાઇકોર્ટની ઝાટકણીને પગલે હવે રાજ્ય સરકારે ફાયર સેફટી નિયમો આકરા બનાવવાનો નિર્ણય લીધો છે.પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા બિલ્ડિંગનાં ફાયર પ્રોટોકોલ ચકાસવા માટે ફાયર સેફટી અધિકારીઓને સત્તા સોંપવામાં આવશે. તેઓ દ્વારા જ બિલ્ડિંગનાં ફાયર સેફટી પ્લાન તૈયાર કરવામાં આવશે. પ્રથમ તબકકે આઠ મ્યુનિસિપલ કોર્પોરેશનોમાં 250 ફાયર સેફટી અધિકારીઓને સત્તા આપવામાં આવશે.
સરકારમાં નોંધાયેલા આ ફાયર સેફટી અધિકારીઓને ફાયર નિરીક્ષણ માટે બિલ્ડિંગના માલીકોએ અથવા એસોસિયેશને નિયત ચાર્જ ચૂકવવો પડશે. આ સિવાય ઉદ્યોગો તથા કારખાનાઓનું પણ તેઓ નિરીક્ષણ કરશે. ખાસ કરીને કેમિકલ્સ તથા ફટાકડા બનાવતા કારખાનામાં ખાસ દેખરેખ કરવાનું થશે. રાજ્યમાં આગના વધતા કિસ્સા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા ધ ગુજરાત ફાયર સેફટી પ્રિવેન્શન એન્ડ લાઇફ સેફટી મેઝર્સ રેગ્યુલેશન 2021 અંતર્ગત વિસ્તૃત માર્ગદર્શિકા તૈયાર કરવામાં આવી છે. આ નિયમનો અંતર્ગત નવી ઈમારતો-બિલ્ડિંગો માટે ફાયર સેફટી અધિકારીના રિપોર્ટને આધારે સંબંધિત કોર્પોરેશન પ્રાથમિક ફાયર એનઓસી આપશે. ત્યાર બાદ રિન્યુઅલ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઇન રહેશે, તેમાં ફાયર બ્રિગેડની થોડી ઘણી ભૂમિકા રહે છે. ફાયર સેફટી અધિકારીના રિપોર્ટને આધારે ગુજરાત સ્ટેટ ફાયર પ્રિવેન્શન અધિકારી દ્વારા રિન્યુઅલ આપવાનું રહેશે.
શહેરી વિકાસ મંત્રાલયનાં સૂત્રોએ કહ્યું હતું કે ફાયર સેફટી અધિકારીઓને ત્રણ શ્રેણીમાં વર્ગીકૃત કરવામાં આવશે. લો-રાઇઝ માટે બેઝિક અધિકારીઓ ફાયર સેફટી નિરીક્ષણ કરી શકશે. 10 માળ સુધીનાં બિલ્ડિંગો માટે એડવાન્સ્ડ ફાયર સેફટી અધિકારી રાખવા પડશે. જયારે ઊંચાં ટાવરો માટે સ્પેશિયલ અધિકારી ફરજિયાત રહેશે.