અમદાવાદઃ રાજ્યમાં વિધાનસભા ચૂંટણીની તૈયારીઓમાં લાગેલા ચૂંટણી પંચ રાજ્ય સરકારથી ખફા છે. ચૂંટણી પંચને અત્યાર સુધી ચૂંટણી સાથે જોડાયેલા ટ્રાંસફર અને પોસ્ટિંગનો રિપોર્ટ નથી મળ્યો. પંચને રિપોર્ટ ન મળવાના કારણે એ સરકારથી નારાજ છે. જેથી પંચે હવે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપી પાસેથી એ વિશેનો રિપોર્ટ માગ્યો છે.
રાજ્ય સરકાર અને ગૃહ વિભાગ દ્વારા પોલીસ અધિકારીઓ સહિત અન્ય અધિકારીઓની એકસાથે બદલીઓ કરી દેવામાં આવી છે. ચૂંટણી પંચે રાજ્યના મુખ્ય સચિવ અને ડીજીપીને નોટિસ પાઠવી છે. આ નોટિસમાં એવું કહેવામાં આવ્યું છે કે કમિશન દ્વારા નિર્ધારિત શરતો હેઠળ અધિકારીઓની ટ્રાન્સફર-પોસ્ટિંગ સંબંધિત રિપોર્ટ ફાઇલ ન કરવાને કારણે પંચે આ નોટિસ મોકલી છે. પંચે એ વિશે તાત્કાલિક રિપોર્ટ માગ્યો છે. અહેવાલો અનુસાર હવે અધિકારીઓને સ્થિતિ સ્પષ્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે કે આ મામલે નિર્દેશો જારી કરવા છતાં નિર્ધારિત સમયમર્યાદા પૂરી થવા છતાં અહેવાલ શા માટે સબમિટ કરવામાં આવ્યો નથી. અધિકારીઓની બદલી અને પોસ્ટિંગ અંગેના પત્રો હિમાચલ પ્રદેશ અને ગુજરાતને મોકલવામાં આવ્યા હતા.પંચે બંને રાજ્ય સરકારોને ગૃહ જિલ્લામાં પોસ્ટ કરાયેલા અધિકારીઓ અને છેલ્લા ચાર વર્ષમાં એક જિલ્લામાં ત્રણ વર્ષ ગાળ્યા હોય તેવા અધિકારીઓની બદલી કરવાનો નિર્દેશ આપ્યો હતો.
રાજ્યમાં ચૂંટણી પૂર્વે અલગ-અલગ વિભાગમાં ઉચ્ચ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. ત્યારે તાજેતરમાં જ રાજ્યમાં 76 IPSની બદલી કરવામાં આવી હતી. આ સિવાય 24 મામલતદાર કક્ષાના અધિકારીઓની પણ બદલીના આદેશ આપવામાં આવ્યા હતા. આ અગાઉ જ મહેસૂલ વિભાગે સાત ડેપ્યુટી કલેક્ટરોની પણ બદલીના આદેશ આપ્યા હતા. આ ઉપરાંત 42 ડે.કલેક્ટરની બદલી અને 26 મામલતદારોને બઢતી આપવામાં આવી હતી. આ સિવાય ગુજરાતમાં ચૂંટણી અગાઉ 23 IAS અધિકારીઓની પણ તાજેતરમાં જ બદલી કરવામાં આવી છે.