અમદાવાદઃ કોરોનાની મહામારીને નાથવો એક પડકાર જરૂર છે, પરંતુ રાજ્ય પ્રશાસન કોઈપણ પ્રકારની કચાશ રાખ્યા વિના કે પાછું પડ્યા વગર મક્કમપણે તેનો સામનો કરી રહ્યું છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેઝિગ્નેટેડ કોવિડ- 19 જાહેર કરાયેલી 1200 બેડની હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટરો, નર્સિંગ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ તથા સફાઇની કામગીરી જેઓ સફળતાપૂર્વક વહન કરે છે એવા સેવકો પોતાના પરિવારની ચિંતા કર્યા વિના દર્દીઓની સેવામાં રત છે.
સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવતા જલ્પા ગાંધી ૩૧ વર્ષની વયના છે. તેમને સાડા ત્રણ વર્ષની દીકરી છે. જલ્પા છેલ્લા થોડાક વર્ષોથી સિવિલ હોસ્પિટલમાં સેવા બજાવે છે. કોરોનાની મહારામારીના પગલે સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા સ્ટાફને એક કે બે સપ્તાહ એમ વારાફરતી મોકલવામાં આવે છે. હોસ્પિટલના આર.એમ.ઓ ડૉ. સંજય સોલંકી કહે છે કે ‘વારાફરતી તમામ સ્ટાફને અહીં સેવા માટે બોલાવીએ છીએ, જે એક પ્રક્રિયા છે. ગત માસે જલ્પા ગાંધીએ આ વોર્ડમાં 15 દિવસ ફરજ બજાવી હતી. હાલ તેઓ સિવિલ હોસ્પિટલમાં અન્ય વોર્ડમાં ફરજ બજાવે છે. પરંતુ જલ્પા ગાંધી આજે પણ એમ ઈચ્છે છે કે તેમની ફરજ કોરોના વોર્ડમાં મૂકવામાં આવે.
જલ્પા ગાંધી કહે છે કે ‘દર્દીઓની સેવા એ મારી મૂળ અને નૈતિક ફરજ છે. ભગવાને અમને દર્દીઓની સેવા કરવાની અમૂલ્ય તક આપી છે જે નિષ્ઠાપૂર્વક બજાવીએ છીએ.’
જલ્પા આગળ કહે છે, “ગત માસે મારી ફરજ કોરોના વોર્ડમાં આવી હતી. મારે સાડા ત્રણ વર્ષની દીકરી છે એટલે મેં એને મારાં મમ્મી-પપ્પાને ત્યાં એને રાખી છે જેથી એને કોઈ પ્રકારનુ ઈન્ફેક્શન ન લાગે. આ વોર્ડમાં ફરજ બચાવતી વખતે અમારે હોસ્પિટલના કેમ્પસની હોસ્ટેલમાં જ રહેવાનું હોય છે એટલે ઘરે જવાનો પ્રશ્ન ઉપસ્થિત થાય જ નહીં. પરંતુ આ વોર્ડમાંથી ફરજ પૂરી થાય અને અન્ય વોર્ડમાં ફરજ બજાવો તે સમયે તમે પોતાના ઘરે જઈ શકો છો પરંતુ મેં સાવચેતીના ભાગરૂપે મારી દીકરીને મારા મમ્મી-પપ્પાને ત્યાં જ રાખી છે. જોકે કોરોનાના દર્દીઓની સેવા કરવી એ કદાચ મારા માટે સંતોષ મેળવવાનો સૌથી અમૂલ્ય અવસર છે. હતાશ થઈ ગયેલા દર્દીઓના ચહેરા પર એક સંતોષ તમે લાવી શકો તો એનાથી મોટી કોઈ વાત જ ન હોઈ શકે.”
ડો. સંજય કાપડિયા અહીંની વ્યવસ્થા સંભાળે છે. નર્સિંગ સ્ટાફ ઉપરાંત વોર્ડબોય કે પેરામેડિકલ સ્ટાફની વ્યવસ્થાનું જેવું કામ કરે છે. તેઓ કહે છે કે ‘અહીંનો સ્ટાફ ખૂબ ઉત્સાહપૂર્વક ફરજ બજાવે છે. દરેકના ઘરે કંઈકને કંઈક પારિવારિક સમસ્યાઓ હોય છે પરંતુ તેની દરકાર કર્યા વિના આ લોકો અહીં સતત ફરજ બજાવે છે. આ મૂક સેવકોને લીધે જ આગામી દિવસોમાં કોરોના સામે વધુ પ્રબળતાથી લડી શકાશે.
