અમદાવાદઃ કોરોના રોગચાળાને લીધે લોકોના ધંધા-વેપાર બંધ હોવાને કારણે અનેક લોકો આર્થિક તંગીમાં મુકાઈ ગયા છે. મંગળવારે મોડી રાત્ર અમદાવાદના થલતેજમાં કેમ્બે હોટેલ પાસેના એન્જિમા ફ્લેટમાં એક યુવકે ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ આપઘાતનું કારણ આર્થિક સંકડામણ હોવાનું બહાર આવ્યું છે. સોલા પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
અમદાવાદના સરખેજ હાઇવે પર આવેલા સફલ પરિસરમાં ગ્રીન ગેઇન સોલાર સોલ્યુશન નામની કંપનીના ડિરેક્ટર અંકિત ટાંકે થલતેજમાં પોતાના નિવાસસ્થાનેથી સાતમા માળેથી ઝંપલાવીને આત્મહત્યા કરી હતી. આ આત્મહત્યા પાછળનું કારણ કંપનીમાં નુકસાન અને ડિપ્રેશન હોવાનું જાણવા આવ્યું છે.
રાજસ્થાનનો મૂળ રહેવાસી અંકિત ટાંક અમદાવાદમાં છેલ્લા ઘણાં સમયથી રહેતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસે તપાસ કરતાં તેના ઘરમાંથી એલોપેથી દવાઓ મળી આવી છે. સોલા પોલીસે આત્મહત્યા કરનાર યુવકના પરિવારનો સંપર્ક કરી આત્મહત્યાનાં કારણો અંગે વધુ તપાસ હાથ ધરી છે.