યુનિ.નો 14મો પદવીદાન સમારોહ વર્ચ્યુઅલી, શારીરિક રીતે ઊજવાયો

મહેસાણાઃ ગણપત યુનિવર્સિટીનો 14મો પદવીદાન સમારોહ 22 ડિસેમ્બરે સવારે 10 કલાકથી 12 કલાક દરમ્યાન ઓનલાઇન યોજાયો હતો, જેમાં દેશ-વિદેશમાં વસતા વિદ્યાર્થીઓ, વાલીઓ, શુભેચ્છકો અને મિત્રો સહિત 10,000 લોકો સમારોહની ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા. આ અગાઉ યુનિવર્સિટીની વિવિધ સાત ફેકલ્ટીના વિદ્યાર્થીઓને ડિપ્લોમા, ડિગ્રી, માસ્ટર અને પીએ,ડીની પદવીઓ 14મા કોન્વોકેશનની પાંચ દિવસની ઉજવણી દરમ્યાન આપવામાં આવી હતી.

યુનિવર્સિટીના 22 ડિસેમ્બરે ઓનલાઇન યોજાયેલા મુખ્ય પદવીદાન સમારોહની વિશેષતા એ હતી કે 14મા કોન્વાકેશનના ચીફ ગેસ્ટ અમેરિકાના કેલિફોર્નિયાની પોલિટેક્નિક યુનિવર્સિટીના મેડમ સોરાયા એમ. કોલી અને વિશેષ અતિથિ તરીકે ગણપત યુનિવર્સિટીના પેટ્રન-ઇન-ચીફ અને પ્રમુખ પદ્મશ્રી ગણપતભાઈ પટેલ ખાસ અમેરિકાથી ઓનલાઇન જોડાઇને આશીર્વાદ અને શુભકામના પાઠવ્યા હતા.

ડો. સોરાયા એમ. કોલીએ વિદ્યાર્થીઓને શીખ આપતાં કહ્યું હતું કે આ કપરા કાળમાં તમે સિદ્ધિ મેળવી છે, એ વિશેષ અભિનંદનને પાત્ર છે. તેમણે વિદ્યાર્થીઓને કઠોર પરિશ્રમ કરવાનું સૂચવ્યું હતું. યુનિવર્સિટીના સમારોહમાં પ્રેસિડન્ટ પદ્મશ્રી ગણપત પટેલે વિદ્યાર્થીઓને કહ્યું હતું કે યુનિવર્સિટીમાં ભણતા-ભણતાં જે મૂલ્યો અને આદર્શોને ચારિત્ર્યમાં, જીવનમાં ઉતાર્યાં છે, એને લીધે તમે જીવનમાં ચોક્કસ સફળતા હાંસલ કરશો. તેમણે સોરાયા એમ કોલી સહિત બોર્ડ ઓફ ગવર્નર્સના સભ્યો અને ઓનલાઇન ઉપસ્થિત રહેલા હજારો લોકોનો આભાર માન્યો હતો.

આ કોન્વોકેશન દરમ્યાન કુલ 2909 વિદ્યાર્થીને ડિપ્લોમા, પદવીઓ, માસ્ટર્સ અને પીએચ.ડીની ડિગ્રી આપવામાં આવી હતી, જેમાં 75 ગોલ્ડ મેડલ્સનો પણ સમાવેશ થાય છે. કોરોનાની તમામ ગાઇડલાઇન્સ અનુસરીને કોન્વોકેશન ફંક્શનને ફેકલ્ટીદીઠ મર્યાદિત સંખ્યામાં પાંચ દિવસનું ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું અને મહત્ત્વનું ફંક્શન સવારે 10 કલાકથી 12 કલાક દરમ્યાન યોજાયું હતું.