ગાંધીનગર– ગુજરાત પર સર્જાયેલી અપર એર સાયક્લોનિક સરક્યુલેશન સીસ્ટમ નબળી પડી છે, જેથી ગુજરાત પર અતિભારે વરસાદનું જોખમ હાલ પુરતું ટળ્યું છે. અને ઓફ શોર સીસ્ટમ વિખેરાઈ ગઈ છે. તેમ છતાં તંત્ર એલર્ટ રખાયું છે. હજી મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની આગાહી છે.ગુજરાતના મુખ્ય સચrવ ડૉ. જે.એન.સિંહે ગાંધીનગરમાં સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરની મુલાકાત લઇને વરસાદની સ્થિતિ અને વહીવટીતંત્રની રાહત-બચાવ કામગીરી માટેની સજ્જતાની સમીક્ષા કરી હતી.
અધિક મુખ્ય સચિવ પંકજકુમારની ઉપસ્થિતિમાં આ સમીક્ષા બેઠકમાં વરસાદની સ્થિતિ વિષે જાણકારી આપતાં હવામાન વિભાગના અમદાવાદ ખાતેના ડાયરેકટર ડૉ. જયંત સરકારે જણાવ્યું હતું કે, સોમવારની સાંજે ગુજરાત પર સ્થિત ઓફ શોર ટ્રાફ વિખેરાઇ ગયું છે, અને અપર એર સાયકલોનિક સરક્યુલેશન પૂર્વ-મધ્ય ગુજરાતથી મધ્ય ભારત તરફ ફંટાયું છે, પરિણામે વરસાદનું જોર સોમવારની સરખામણીએ ઓછું થયું છે. જોકે તેમણે આગામી ૨૪ કલાકમાં પૂર્વીય મધ્ય ગુજરાતના વિસ્તારો; છોટાઉદેપુર, પંચમહાલ, મહિસાગર, તથા ઉત્તર ગુજરાતના સાબરકાંઠા, અરવલ્લી, ગાંધીનગર તથા સૌરાષ્ટ્રના પોરબંદર, દ્વારકા, ઓખા ઉપરાંત કચ્છમાં હળવો વરસાદ થવાની સંભાવના વ્યક્ત કરી હતી. આ ઉપરાંત ચોમાસાની શરૂઆત હોવાથી લગભગ રાજ્યમાં સર્વત્ર છૂટાછવાયો વરસાદ પડવાની શક્યતા પણ તેમણે જણાવી હતી.
એન.ડી.આર.એફ.ની ૧૩ ટીમોને આગોતરા પગલાં તરીકે અમદાવાદ, ગાંધીનગર, જૂનાગઢ, અમરેલી, સુરેન્દ્રનગર, પાટણ, સુરત, તાપી, સાબરકાંઠા, છોટાઉદેપુર, ખેડા, વડોદરા અને વલસાડમાં તહેનાત કરવામાં આવી છે.
આ બેઠકમાં રાહત નિયામક અને અધિક સચિવ એમ.આર.કોઠારી, રાહત નિયામક જી.વી.મુંગલપરા અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.