અમદાવાદઃ ગુજરાત કોંગ્રેસે પ્રેમ, સદભાવના, સર્વધર્મ સમભાવના સંદેશ સાથે આઝાદીના ચળવળમાં શહીદ થનાર સપૂતોને યાદ-વંદન કરીને ગાંધીના સ્વપ્નના ભારતના નિર્માણની નેમ સાથે “ભારત જોડો તિરંગા યાત્રા” નું અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાઓમાં આયોજન કર્યું હતું.
રાજ્યના ૩૩ જિલ્લા અને આઠ મહાનગરોમાં “ભારત જોડો તિરંગા યાત્રા”ના ભાગરૂપે શહીદ વીર કિનારીવાલા સ્મારકે પુષ્પાંજલિ કર્યા બાદ મોટી સંખ્યામાં બાઇક સાથે મહાત્મા ગાંધીના ઐતિહાસિક સાબરમતી આશ્રમમાં રેલી પહોંચી હતી. આ પ્રસંગે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ જગદીશ ઠાકોરે જણાવ્યું હતું કે, ‘૮ ઓગસ્ટ ૧૯૪૨ એ ઐતિહાસિક દિવસ છે. જ્યારે અંગ્રેજોના જોર-જુલમને નાબૂદ કરવા ભારતીયોના સ્વરાજના હક અને અધિકાર માટે મહાત્મા ગાંધીજીએ “અંગેજો ભારત છોડો”ના નારા સાથે અહિંસક ક્રાંતિની શરૂઆત કરી હતી.’
એમણે જણાવ્યું હતું કે, ‘મંદી મોઘવારી, બેરોજગારી, કથળતી શિક્ષણ અને કાયદો વ્યવસ્થા સહિતના મુદ્દે ફરી એક વાર લડતની જરૂર છે અને કોંગ્રેસ આ માટે મેદાનમાં આગળ વધી રહી છે. યુવાનો, મહિલાઓ, શ્રમિકો, વંચિતો-પીડિતો, સામાન્ય-મધ્યમ વર્ગના હક અને અધિકાર માટે કોંગ્રેસ પક્ષ સદાય લડત આપી છે અને આપતી રહેશે.’
અમદાવાદમાં વીર કિનારીવાલાના સ્મારકથી સાંપ્રદાયિકતા અને ધ્રુવીકરણના વધતા જતા માહોલને રોકવા યોજાયેલી કોંગ્રેસની “ભારત જોડો તિરંગા યાત્રા” ગુજરાતના સપૂત વીર કિનારીવાલાના સ્મારકે પુષ્પાંજલિ કરી બાઇક રેલી સ્વરૂપે સાબરમતી આશ્રમ પહોંચી હતી.
ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ રાજ્યવ્યાપી આયોજિત “ભારત જોડો તિરંગા યાત્રા” ગુજરાત કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી, સિદ્ધાર્થ પટેલ અને ગુજરાત કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હિંમતસિંહ પટેલ સહિત મોટી સંખ્યામાં પક્ષના પદાધિકારી, કાર્યકરો અને સ્થાનિક લોકો જોડાયા હતા.