સામ્રાજ્ય ફિલ્મના વિવાદ વચ્ચે સરકારે ભર્યું મોટું પગલું

સાઉથના સુપરસ્ટાર વિજય દેવરકોંડાની ફિલ્મ ‘સામ્રાજ્ય’ વિવાદમાં છે. આ ફિલ્મ પર તમિલ ઓળખને ખોટી રીતે દર્શાવવાનો આરોપ છે. આ ઘટના બાદ, તમિલનાડુ પોલીસે કહ્યું છે કે જો જરૂર પડે તો તે થિયેટરોને સુરક્ષા પૂરી પાડશે જ્યાં ‘સામ્રાજ્ય’ પ્રદર્શિત થઈ રહી છે. મદ્રાસ હાઈકોર્ટે પોલીસના આ નિવેદનને રેકોર્ડ પર રાખ્યું છે.

SSI પ્રોડક્શને અરજીમાં માંગ કરી હતી

મેસર્સ SSI પ્રોડક્શન દ્વારા દાખલ કરાયેલી અરજી હાઇકોર્ટમાં સુનાવણી માટે આવી ત્યારે સરકારી વકીલે આ બાંયધરી આપી હતી. SSI પ્રોડક્શને પોતાની અરજીમાં ‘સામ્રાજ્ય’ ફિલ્મના શાંતિપૂર્ણ પ્રદર્શન માટે થિયેટરોને પોલીસ સુરક્ષા પૂરી પાડવા માટે પોલીસ અધિકારીઓને નિર્દેશ આપવાની માંગ કરી હતી. તેમણે ફિલ્મના કાયદેસર પ્રદર્શનમાં તોફાની તત્વોને દખલ કરતા અટકાવવાની પણ માંગ કરી હતી.

હાઈકોર્ટે આદેશ આપ્યો

હાઈકોર્ટના ન્યાયાધીશે તેમના આદેશમાં કહ્યું કે જ્યારે સેન્સર બોર્ડ ફિલ્મને પ્રમાણિત કરી દે છે, ત્યારે કોઈ તૃતીય પક્ષ ફિલ્મનું પ્રદર્શન રોકી શકે નહીં. જજે કહ્યું કે જો કોઈ વ્યક્તિ કે સંગઠન દ્વારા કોઈ ધમકી આપવામાં આવી હોય, તો તેમની સામે કાર્યવાહી થવી જોઈએ.

હાઈકોર્ટે કહ્યું કે જો ‘નામ તમિલાર કાચી’ના મુખ્ય સંયોજક સીમન અને તેમના પક્ષના કાર્યકરો પોતાનો અસંમતિ વ્યક્ત કરવા માંગતા હોય, તો તેઓ પોલીસની પરવાનગી લઈને વિરોધ કરી શકે છે. જજે વધુમાં કહ્યું, ‘તેમને તેમના વિરોધી વિચારો વ્યક્ત કરવાની સ્વતંત્રતા છે. પરંતુ, તેઓ ફક્ત કાયદેસર રીતે જ વિરોધ કરી શકે છે.’