અમદાવાદઃ અમદાવાદ મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના નવા પશ્ચિમ ઝોનમાં સફાઈ કામદારોના પડતર પ્રશ્નોને મામલે તમામ સફાઈ કામદારો હડતાળ પર ઊતરી જતાં શહેરની સફાઈની રોજિંદી કામગીરી ખોરવાઈ ગઈ છે. સફાઈ કામદારોની હડતાળનો આજે ચોથો દિવસ છે. જેથી બોડકદેવનાં ગંદકીના ઠેર-ઠેર ઢગલા જોવા મળે છે.
શહેરમાં નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈ કામદારોને વારસાઈનો હક મળે એવી માગ સાથે ગુરુવારે સવારથી શહેરમાં ફરજ બજાવતા 17,000 સફાઈ કામદારો હડતાળ પર ઊતરી ગયા હતા. એટલું જ નહીં, સફાઈ કામદારોના ટોળાંઓએ બોડકદેવની કચેરી સામે ધરણાં પણ યોજ્યાં હતાં. તેમના દ્વારા ધરણાં સ્થળે જ રસોડું શરૂ કરવામાં આવ્યું છે, સાથે જ મહિલાઓ દ્વારા શાકભાજી સમારવાની કામગીરી ચાલી રહી છે. અંદાજે 2500 લોકો માટે જમવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
પીઆઇ આર.એમ. સરોદેએ સફાઈ કામદારોની ફરિયાદ લેવાની ના પાડી દીધી હતી, જેને પગલે આક્રમક બનેલા સફાઈ કામદારોએ હાય-હાય ભાજપ, મેયર, કમિશનરના સૂત્રોચ્ચાર કર્યા, ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાનો હુરિયો બોલાવ્યો હતો. સફાઈ કર્મચારીઓ પોલીસ ફરિયાદની માગ પર અડગ છે
બોડકદેવ ઝોનલ ઓફિસના ગેટ પોલીસે બંધ કરાવી દીધા હતા. મ્યુનિસિપલ કોર્પોરેશનનો કર્મચારી હોય કે સામાન્ય માણસ હોય, કોઈને પણ અંદર જવાની પરમિશન આપવામાં આવી ન હતી. પોલીસે ઝોનલ ઓફિસના ગેટને બંધ કરાવી દેતાં કામકાજ અટકી પડ્યું હતું. ત્યાર બાદ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનના પણ ગેટ બંધ કરી દેવામાં આવતાં નોકર મંડળ દ્વારા આકરા આંદોલનની ચીમકી આપવામાં આવી હતી.