કોરોના રસીનું સોમવારથી ટ્રાયલ-રનઃ 25-25 વ્યક્તિને ડમી રસીકરણ

અમદાવાદઃ રાજ્યમાં કોરોનાના રસીકરણની તૈયારીઓ સરકારે તેજ કરી દીધી છે. સોમવારથી રાજ્યમાં કોરોના રસીનું ટ્રાયલ-રન શરૂ કરવામાં આવશે. આ ટ્રાયલ-રનમાં 25-25 વ્યક્તિને બોલાવીને ડમી રસીકરણ કરવામાં આવશે. એટલું જ નહિં,  રસી લાવવાથી લઈ રસી આપવા સુધીનું શિડયુલ તૈયાર કરવામાં આવશે.

કોરોના ટ્રાયલ-રનમાં થનારી કાર્યવાહીમાં જે વાહન કોરોના રસી કોલ્ડ સ્ટોરેજમાંથી લઈને નીકળશે એ જે-તે હેલ્થ સેન્ટરમાં કેટલા સમયમાં પહોંચે છે, એ પણ નોંધવામાં આવશે. આ વાહનમાં જીપીએસ સિસ્ટમ લગાવવામાં આવી હશે. નિયત સમયમર્યાદામાં હેલ્થ સેન્ટરમાં રસી લઈ જતું વાહન પહોંચે છે કે કેમ, એનો સમયગાળો નોંધવામાં આવશે.

કોરોના રસીકરણના ટ્રાયલ-રનમાં નિશ્ચિત સમયમર્યાદામાં તમામ વ્યક્તિઓને રસીકરણ થાય એ માટે ઝડપી કામગીરી કરવામાં આવશે, જેમાં 25-25 વ્યક્તિઓને એસએમએસ કરી રસીકરણ કેન્દ્ર પર બોલાવવામાં આવશે. આ વ્યક્તિને ત્યાર બાદ વેક્સિનેશન રૂમમાં લઈ જવામાં આવશે. ત્યાર બાદ રસી લીધેલી વ્યક્તિને ઓબ્ઝર્વેશન રૂમમાં લઈ જવામાં આવશે, જ્યાં તેને 30 મિનિટ બેસાડી તેની તબિયતનું પરીક્ષણ કરવામાં આવશે. આમ, કોરોના રસીનું આબેહૂબ ટ્રાયલ-રન કરી નિશ્ચિત સમયગાળા દરમિયાન એક કલાકમાં કેટલી વ્યક્તિઓને રસીકરણ થઈ શકે એનું એક નિશ્ચિત શિડ્યુલ તૈયાર કરવામાં આવશે.

વેક્સિનની ડિલિવરીથી રસીકરણ સુધીની નોંધ રખાશે. પ્રાદેશિક વેક્સિન સેન્ટરથી દવા જિલ્લાના કોલ્ડ ચેન સેન્ટર સુધી પહોંચશે. ત્યારબાદ પહેલેથી નક્કી કરેલા જિલ્લા હોસ્પિટલ, સામૂહિક આરોગ્ય કેન્દ્ર, પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર કે ખાનગી આરોગ્ય કેન્દ્ર સુધી પહોંચાડવામાં આવશે. તે સમયે મેડિકલ ઓફિસર, વેક્સિન હેન્ડલર, વેક્સિનેટર, વૈકલ્પિક વેક્સિનેટર, સુપરવાઇઝર, ડેટા મેનેજર, આશા કોઓર્ડિનેટર હાજર હશે.

 

 

 

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]