વારસાઈના હકની માગ સાથે સફાઈ-કર્મચારીઓ હડતાળ પર

અમદાવાદઃ શહેરના નવા પશ્ચિમ ઝોનમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓને વારસાઈનો હક મળે એવી માગ અને અનેક રજૂઆત છતાં પણ કોઇ પગલાં ન લેવામાં આવતાં તેઓ રોષે ભરાયા છે. જેથી 17,000 સફાઈ કર્મચારીઓ કામથી અળગા રહેશે. ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 6200 જેટલા સફાઈ કર્મચારીઓ ફરજ બજાવે છે. જો આજે તેમની માગ નહિ સંતોષાય તો અચોક્કસ મુદતની હડતાળની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.

શહેરના અન્ય ઝોનના કર્મચારીઓને જે વારસાઈ હક મળે છે એ પશ્ચિમ ઝોનના સફાઈ કર્મચારીઓને નથી મળતો. વર્ષોથી સફાઈ કર્મચારીઓના આવાસના પ્રશ્નો ઊભા છે, તેનું પણ નિરાકરણ હજુ સુધી નહિ આવતાં બોડકદેવમાં આવેલી કોર્પોરેશનની ઝોનલ ઓફિસમાં સફાઈ કર્મચારીએ ઓફિસમાં જ ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેનાથી રોષે ભરાયેલા નોકર મંડળ અને સફાઈ કર્મચારીઓની સંસ્થાએ કામથી અળગા રહેવાનો નિર્ણય કર્યો છે. આ કર્મચારી થલતેજ વોર્ડમાં કામ કરે છે અને તે પડતર પ્રશ્નોને લઈને રજૂઆત કરવા માટે ઝોનલ ઓફિસે ગયો હતો, પણ ત્યાં અધિકારીએ યોગ્ય જવાબ ન આપતાં સફાઈ કર્મચારીએ જીવન ટૂંકાવવાનો નિર્ણય કર્યો હતો. સફાઈ કર્મચારીને સોલા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.

સફાઈ કર્મચારીઓએ AMCના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણની દાદાગીરીનો આરોપ લગાવ્યો હતો. તેમણે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અને અધિકારીઓ સામે પગલાં લેવાની માગ કરી હતી.

ઉત્તર-પશ્ચિમ ઝોનના સફાઈ કર્મચારીઓને વારસાઈ હક મળે એ માટે બોડકદેવ, ઘાટલોડિયા, ગોતા, ચાંદલોડિયા, થલતેજ સહિતના વિસ્તારમાં ફરજ બજાવતા સફાઈ કર્મચારીઓ હક માગી રહ્યા છે.