પર્વ, પરંપરા, પ્રયોગની ત્રિવેણીમાં ડૂબકી લગાવવાની તક

અમદાવાદઃ દેશમાં કોરોના રોગચાળામાં નવરાત્રિ અને દિવાળી જેવા તહેવારો ઘેરબેઠાં જ ઊજવ્યા છે અને હવે ક્રિસમસ પર્વ ઘરઆંગણે આવી ઊભું છે અને કોરોનાને લીધે લગભગ ઘરબંધ દુનિયા સોફામાં બેઠાં-બેઠાં જ ઉજવણીની તરકીબો શોધી રહી છે. આપણને એવી એક તરકીબ ગુજરાતનાં જાણીતાં ગાયિકા હિમાલી વ્યાસ-નાયકે પૂરી પાડી છે. એ તરકીબ એટલે ઓપેરા, અકાપેલા અને અવે મારિયા પ્રાર્થનાનો સંગમ. વેઇટ, આ ત્રણેય વિશે વિગતે જાણી લઈએ.

ઓપેરા-પ્રસ્તુતિથી તો સૌ પરિચિત છે જ, પણ ઓપેરામાં પ્રાર્થના ગવાતી હોય એ કેવી હશે?! નાતાલના પવિત્ર પર્વે મધર મેરીની સ્તુતિમાં સદીઓથી એક પ્રાર્થના ગવાય છે, અવે મારિયા! લેટિન ભાષાની આ પ્રાર્થના ખ્રિસ્તી સમુદાયની ધાર્મિક સંવેદના સાથે પણ જોડાયેલી છે. મહાન સંગીતકાર ફ્રાન્ઝ શુબર્ટ દ્વારા આશરે 200 વર્ષ પહેલાં સંગીતબદ્ધ થઈ રજૂ થયેલી આ પ્રાર્થનાની ઓપેરા-પ્રસ્તુતિ તો સંગીતપ્રેમીઓમાં અઢળક માન પામી છે અને આજે પણ લોકપ્રિય છે.

હિમાલીએ ઓપેરામાં રજૂ થતી અવે મારિયાનો સ્વાદ આપવા આ અનોખો પ્રયોગ કર્યો છે અને એમાં સાથે ભળે છે અકાપેલા. અકાપેલાં એટલે કે જેમાં પિયાનોની ધીમી ધૂન સાથે ગાયક બીજાં બધાં જ વાદ્યોના અવાજ પોતાના મોઢેથી જ ગાઈ-બજાવે.

ટૂંકમાં, આ નાતાલમાં તો પર્વ, પરંપરા અને પ્રયોગની ત્રિવેણીમાં ડૂબકી લગાવવાની તક સામે ઊભી છે. એ તક ઝડપી લેવા 25 ડિસેમ્બરે હિમાલીની યુટ્યુબ ચેનલ પર વિઝિટ કરવાનું ન ચૂકતા. આ રહ્યું વેબ સરનામું:

https://youtube.com/user/Himalee21