સોમનાથ- રામાનંદ આશ્રમના મહંત સ્વામી આત્મારામજી મહારાજ છેલ્લા ૧૬ વર્ષથી પદયાત્રાઓ કરી રહ્યાં છે. તેઓએ પદયાત્રામાં બાર જ્યોતિર્લિંગ, ચારધામ યાત્રા, સપ્તપુરી યાત્રા, શંકરાચાર્યની ચાર પીઠ યાત્રાઓ શિવ પંચાક્ષર મંત્ર પ્રમાણે પાંચ વખત પૂરી કરી દીધી છે.
આ યાત્રાઓ દરમિયાન સ્વામીજીએ ૭૫૦૦૦ કિલોમીટરની સફર પદયાત્રાથી પૂરી કરી છે. હાલ સ્વામીજીનું ૮૦મું વર્ષ ચાલી રહ્યું છે. સ્વામીજી ચાલી રહેલ એંસીમાં વર્ષમાં ૮૦ હજાર કિલોમીટરમાં બાકી રહેલ કિલોમીટર ચાલવા અંગેનો લક્ષ્યાંક પુર્ણ કરવાનો સંકલ્પ આજે સોમનાથમાં લીધો હતો. ૮૦માં વર્ષે પણ સ્વામીજી એક વર્ષમાં એક હજાર કિલોમીટર ચાલવાની શક્તિ ધરાવે છે.
હાલ તેઓ ચોટીલા થઈ ઘેલા સોમનાથથી પ્રથમ જ્યોર્તિલીંગ સોમનાથ પહોંચ્યા છે. તેઓ સોમનાથથી દ્વારકા તરફ પ્રયાણ કરશે. આજે સવારના તેઓ સોમનાથ મહાદેવના દર્શને પહોંચ્યાં હતાં, સોમનાથ મહાદેવને અભિષેક કરી તેઓએ ધન્યતા અનુભવી હતી. આ પ્રસંગે ટ્રસ્ટના ઇન્ચાર્જ જનરલ મેનેજર દ્વારા તેઓનું સન્માન કરવામાં આવેલ હતું. ઉલ્લેખનીય છે કે, તેઓના અનુયાયી દ્વારા પેદલ યાત્રા સે પરબ્રહ્મ કી ઓર પુસ્તક લખવામાં આવ્યું છે.