નરોડામાં બબાલ, પોલિસ પથ્થરમારાનો ભોગ બન્યા ટીયરગેસ છોડ્યાં

અમદાવાદ:  નરોડા વિજય મીલ હેલ્થ સ્ટાફ ક્વાર્ટર્સ નજીકના ઓમનગર ફાટક પાસે સોમવારે મોડી રાત્રે બે યુવાને એક વૃદ્ધ સાથે ઝઘડો કરીને તેમને માર્યા હતા. આ મામલે વૃદ્ધે ક્વાટર્સમાં આવીને સમગ્ર મામલે લોકોને જાણ કરતા બંન્ને યુવાનોને મારવા જવા માટે મોટી સંખ્યામાં ટોળુ ભેગું થયું હતું.

ત્યારબાદ શહેર કોટડા પોલીસ ઘટના સ્થળે પહોંચતા લાઈટો બંધ કરીને ટોળાએ ધાબા પરથી પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. ત્યારે ટોળાને વિખેરવા માટે પોલીસે ટીયરગેસના 9 જેટલા સેલ છોડ્યા અને સમગ્ર ઘટનામાં એક પોલીસ કર્મચારી ઘાયલ પણ થયો હતો.

વિજય મીલ સ્ટાફ કવાટર્સ પાસે સોમવારે મોડી રાતે લોકોના ટોળા ભેગા થયા હોવાનો સંદેશો મળતા શહેરકોટડા પોલીસ સ્ટેશનનો સ્ટાફ આવી પહોંચ્યો હતો. સ્થળ પર બાબુભાઇ શંકરભાઇ સોલંકી નામની વ્યક્તિ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યો હતો. પોલીસે પૂછપરછ કરતા બાબુભાઇએ જણાવ્યું હતુ કે તેઓ ઓમનગર ફાટકની પેલી બાજુથી આવી રહ્યા હતા ત્યારે બે અજાણ્યા યુવાનોએ તેમને રોકી ઝગડો કરીને મારા મારી કરી હતી.

ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસના 9 શેલ છોડ્યા હતા. જેના કારણે ટોળુ વિખેરાઈ જતા પોલીસે ટોળામાં સામેલ 20 માણસોની ધરપકડ કરી હતી. આ અંગે શહેરકોટડા પોલીસ સ્ટેશનના પીઆઈ એસ.એમ.પરમારે 200 જેટલા માણસોના ટોળા વિરુધ્ધ ગુનો નોંધી તપાસ શરુ કરી છે.

સમગ્ર મામલે પોલીસે ટોળાને વિખેરવા માટે પોલીસે પહેલા લાઉડ સ્પીકર પર વોર્નિંગ આપી હતી. ત્યારબાદ લાઠી ચાર્જ કરવા છતા ટોળુ ન વિખેરાયું અને પોલીસ પર પથ્થરમારો ચાલુ જ રાખતા આખરે પોલીસે ટીયરગેરના સેલ છોડ્યા હતા.

મામલાની વિગત જોઈએ તો લારી પર બિરિયાનીના પૈસા આપવા બાબતે ઝઘડો થયો હતો. જેમાં એક યુવકે બળજબરી પૂર્વક ખિસ્સામાંથી 10 હજાર રૂપિયા લઇ લીધા હતા.ત્યાર બાદ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા બન્ને પક્ષના ટોળાં સામસામે આવી ગયા હતા અને પથ્થરમારો કર્યો હતો. પોલીસે 15 લોકો સામે રાયોટિંગનો ગુનો નોંધ્યો છે.