અહો આશ્ચર્યમઃ ગણેશ મૂર્તિએ 14 વર્ષીય લખનનો જીવ બચાવ્યો

સુરતઃ રામ રાખે તેને કોણ ચાખે- એ કહેવતને સાચી ઠેરવતી ઘટના બની છે. ઘોડાદરામાં રહેતો 14 વર્ષીય લખન શુક્રવારે નાના ભાઈ-બહેન અને દાદી સાથે મંદિરે દર્શન કરવા ગયો હતો. ત્યાંથી તેઓ ડુમ્મસના સમુદ્ર તટે ગયા અને સમુદ્રની ભરતી આવી ત્યારે લખન અને તેનો ભાઈ અચાનક ડૂબવા લાગ્યા. સ્થાનિક લોકોએ નાના ભાઈને તો બચાવી લીધો, પણ લખન સમુદ્રમાં દૂર તણાયો હતો. સુરત પોલીસની સાથે ફાયરબ્રિગ્રેડ વિભાગ અને સ્થાનિક તરવૈયાઓએ તેને શોધવા બહુ મહેનત કરી, પણ નિષ્ફળ રહ્યા હતા.

શનિવારે લખનના પરિવારજનો વિચારી રહ્યા હતા કે તેનો મૃતદેહ મળે તો અંતિમ સંસ્કાર કરી શકાય, પરંતુ 24 કલાક બાદ ચમત્કાર થયો જ્યારે પરિવારને સમાચાર મળ્યા કે લખન જીવિત છે. એ સાથે માહિતી મળી કે લખન મોડી રાત્રે નવસારીના ધોલાઈ બંદરે ઊતરશે.

લખનના જીવિત મળવાની સૂચનાથી પરિવારમાં આનંદ વ્યાપી ગયો હતો. નવસારી જિલ્લા પોલીસ કમિશનરની સાથ SOG,LCB, સહિત વિભાગોના અધિકારી પણ ધોલાઈ બંદરે પહોંચ્યા હતા. લખન સમુદ્રથી 22 કિમી દૂર મળી આવ્યો હતો. નવસારીના ભાટ ગામના એક માછીમારોએ 24 કલાક સુધી પાણીમાં રહ્યા છતાં લખનને સુરક્ષિત બચાવી લીધો હતો અને પોર્ટ પર લઈ આવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તે એક વિશાળ પ્લાયવૂડ પર તરી રહ્યો હતો, જેનો ઉપયોગ ગણેશ મૂર્તિના આધારે તરીકે કરવામાં આવ્યો હતો. તેણ ગણેશ મૂર્તિની સાથે આ પ્લાયવૂડ પર પકડી લીધું હતું. જ્યારે લખન બંદર પર પહોંચ્યો, ત્યારે તેના પિતા તેને ભેટી પડ્યા હતા. દેવતા પૂજક પરિવારની ખુશીનો આનંદ માતો નહોતો.

ભાજપપ્રમુખ સીઆર પાટીલે પણ આ કિશોરની હોસ્પિટલમાં મુલાકાત લીધી હતી અને તેના ખબરઅંતર પૂછ્યા હતા.