સુરતના માટી મૂર્તિ મેળા મહિલાઓનો દબદબો

ગણેશ મહોત્સવને આડે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે ગત વર્ષની જેમ જ આ વર્ષે પણ સુરત પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે.

નોંધનીય છે કે સુરતમાં ગણેશજીની પ્રતિમા બનાવવાનું કામ કરતાં મહિલા કારીગરોને આત્મનિર્ભર કરવા સાથે પર્યાવરણની જાળવણી માટે સરકારે શરૂ એક ઝુંબેશ શરૂ કરી હતી. જે અંતર્ગત ગત વર્ષે સુરત શહેરમાં 49 જેટલી સંસ્થાએ એક કરોડથી વધુની ભગવાન ગણેશજીની મૂર્તિનું વેચાણ કર્યું હતું.

આ પહેલા સરકારે રાજ્યના કારીગરો માટીમાંથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવવા તૈયાર થાય એ માટે મહારાષ્ટ્ર, રાજસ્થાન અને રાજ્યના 65 નિષ્ણાંત કારીગરોને ટ્રેનર્સ તાલીમ કારીગરો તૈયાર કર્યા હતા અને માટીની જ પ્રતિમા બનાવવા અને એના વેચાણ માટે પણ તાલીમ આપી હતી. જેના કારણે અનેક મહિલાઓ પગભર થઈ રહી છે.

ઉલ્લેખનીય છે કે સુરતમાં 1 સપ્ટેમ્બરથી ગણેશ ચતુર્થી સુધી ગંગેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલા પાલિકાના મલ્ટીપર્પઝ હોલમાં માટી મૂર્તિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. શહેરમાં આત્મનિર્ભર મહિલાઓ અને એમના સંગઠનો દ્વારા માટીની પ્રતિમા બનાવી વેચાણ શરૂ કર્યું છે. વડાપ્રધાન દ્વારા પ્રોત્સાહિત “વોકલ ફોર લોકલ” પહેલની ભાવના કારીગરોના સ્વાવલંબન અને સમુદાય સશક્તિકરણ કરવા માટે સરકારના ગુજરાત માટીકામ કલાકારી અને ગ્રામ ટેકનોલોજી સંસ્થા દ્વારા 2015થી મહિલાઓને પગભર કરવા માટે તાલીમ આપવામાં આવી હતી. જેમાં ગણેશજીની પ્રતિમા ઈકો ફ્રેન્ડલી બનાવવા સાથે સાથે તેમને પ્રમોશન અને વેચાણ માટેની તક પૂરી પાડવા માટે ખાસ ટ્રેનીંગ આપી હતી.

સુરત સહિત રાજ્યના અન્ય શહેરોમાં પણ ગણપતિ ઉત્સવ પહેલા માટી મૂર્તિ મેળાનું આયોજન થાય છે. ગત વર્ષે  સુરતમાં આ મેળામાં 40 જેટલી મહિલા સંસ્થા અને 9 જેટલી પ્રતિમા બનાવતી મહિલાઓએ એક કરોડ રૂપિયાથી વધારે ગણેશ મૂર્તિનું વેચાણ કર્યું હતું. આ વર્ષે પણ મહિલાઓને આશા છે કે દુંદાળા દેવની કૃપા થશે.