સુરત બળાત્કાર-હત્યા કેસમાં મુખ્ય આરોપીએ ગુનાની કરી કબુલાત

અમદાવાદ– અમદાવાદ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે દાવો કર્યો છે કે તેમણે 11 વર્ષની બાળકી પર રેપ અને હત્યાના ગુનાનો ભેદ ઉકેલી નાંખ્યો છે. મુખ્ય આરોપીને રાજસ્થાનથી પકડી લેવામાં આવ્યો છે, અને તે આરોપીને આજે શનિવારે મિડિયા સામે રજૂ કરવામાં આવ્યો હતો. હર્ષસાઈ ગુર્જરે પોલીસ સમક્ષ કબુલાત કરી છે કે તેણે માતા અને બાળકીની હત્યા કરી છે. અને હત્યા પહેલા દુર્ષ્કમ આચર્યું હતું. તેમજ હત્યાના કેસમાં હરીઓમ નામના આરોપીનું નામ પણ ખુલ્યું છે.શરૂઆતી તપાસમાં એ જાણવા મળ્યું છે કે બાળકી અને તેની વિધવા માતાને મુખ્ય આરોપીએ મજૂરી કામ માટે રૂપિયા 35 હજાર ચુકવીને રાજસ્થાનના ગંગાપુરથી ખરીદી કરી હતી. બાળકીને બે દિવસથી જમવાનું પણ નહોતું આપ્યું. બાળકી સાથે દુર્ષ્કમ કર્યા પછી તેની હત્યા કરી હતી.

અત્રે નોંધનીય છે કે બાળકીનો મૃતદેહ સુરતમાંથી ત્ર એપ્રિલે મળ્યો હતો. અને તેના શરીર પર ઈજાના 87 નિશાન હતા. તેના પ્રાઈવેટ ભાગને નુકશાન પહોંચાડ્યું હતું. આવી બર્બરતા સામે પુરા દેશમાં આક્રોશ જાહેર કરાયો હતો. 9 એપ્રિલે ઘટનાસ્થળેથી કેટલાક કિલોમીટર દૂર એક મહિલાની લાશ મળી હતી.

ક્રાઈમ બ્રાન્ચના અધિકારીઓના કહેવા પ્રમાણે હર્ષસાઈ ગુર્જર જે 35 વર્ષનો છે, તેને રાજસ્થાનના સવાઈ માધોપુર જિલ્લાના ગંગાપુરમાંથી દબોચી લેવાયો છે. તે સિવાય અન્ય 3 આરોપીઓ, હર સાઈના ભાઈ હરિ સિંહ અને બે અન્ય ભાઈઓ નરેશ તથા અમરસિંહ ગુર્જરની ધરપકડ કરી લેવામાં આવી છે.