સીએમ રુપાણી છત્તીસગઢમાં “સદાકાળ ગુજરાત’નો પ્રારંભ કરાવશે

 ગાંધીનગર- મુખ્યપ્રધાન વિજય રૂપાણી આજે શનિવાર ર૧ એપ્રિલ સાંજે છત્તીસગઢના રાયપુરમાં ‘સદાકાળ’ ગુજરાત કાર્યક્રમનો પ્રારંભ કરાવશે. તેઓ પંડિત દીનદયાળ ઓડીટોરિયમમાં યોજાનારા ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમમાં રાજ્યની સંસ્કૃતિ-અસ્મિતાની પ્રસ્તુતિ તેમજ વિકાસગાથાની ઝાંખી કરાવતું ૪૩ સ્ટોલ્સ સાથેનું પ્રદર્શનમાં હાજરી આપશે.

તેમની સાથે  બિનનિવાસી ગુજરાતી પ્રભાગપ્રધાન પ્રદીપસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહેવાના છે.બિન નિવાસી ગુજરાતીઓની આગવી ઓળખ પ્રસ્થાપિત કરતા ગુજરાત કાર્ડનું છત્તીસગઢમાં વસતા ગુજરાતીઓને વિતરણ કરાશે તેમ જ રાજ્યના પ્રવાસન વૈવિધ્યની તલસ્પર્શી માહિતી પૂરી પાડતા પ્રવાસન માહિતી કેન્દ્રને પણ ખૂલ્લું મૂકાશે.

વિવિધ રાજ્યોમાં વસતા બિનનિવાસી ગુજરાતીઓ સાથેના જીવંત સંપર્ક જાળવીને જે તે રાજ્યમાં રહેતા ગુજરાતીઓને વતન જેવો જ અહેસાસ કરાવવા અને ગુજરાતમાં થયેલ વિકાસ અને વર્તમાન ગુજરાતની ઝાંખી કરાવી રોકાણની તકોથી વાકેફ કરવા ગુજરાત સરકારના બિનનિવાસી ગુજરાતી પ્રભાગ અને ગુજરાત રાજ્ય બિનનિવાસી ગુજરાતી પ્રતિષ્ઠાન દ્વારા અન્ય રાજ્યોના મુખ્ય શહેરોમાં ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજવામાં આવે છે.

‘‘જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત’’ના ભાવ સાથે અન્ય રાજ્યોમાં વસતા ગુજરાતીઓનું માતૃભૂમિ સાથે તાદાત્મ્ય સાધવા ‘સદાકાળ’ ગુજરાતના આવા કાર્યક્રમો મુંબઇ, જયપૂર, કોઇમ્બતૂર, વારાણસી અને કોલકાતામાં યોજાયા છે.

છત્તીસગઢમાં આ વર્ષે તા. ર૧-રર એપ્રિલ દરમિયાન એનઆરજી એસોસિએશનના સહયોગથી ‘સદાકાળ ગુજરાત’ કાર્યક્રમ યોજાઇ રહ્યો છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]