સુરત: ચેમ્બર ઓફ કોમર્સની ચૂંટણી યોજાઈ, નિખિલ મદ્રાસી બન્યા ઉપપ્રમુખ

સુરત: ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વર્ષ 2024-25 માટેના ઉપપ્રમુખ પદ માટેની ચૂંટણીનું મતદાન રવિવારે સુરત ઇન્ટરનેશનલ એકઝીબીશન એન્ડ કન્વેન્શન સેન્ટર, સરસાણા ખાતે રાખવામાં આવ્યું હતું. બે ઉમેદવારો વચ્ચે યોજાયેલી ચૂંટણીમાં નિખિલ મદ્રાસીનો વિજય થયો હતો. જ્યારે ચેમ્બરના વર્ષ 2024-25ના પ્રમુખ તરીકે વિજય મેવાવાલા બિનહરીફ જાહેર કરવામાં આવ્યા હતા.

ઉપપ્રમુખ પદ માટે કુલ 11 ઉમેદવારોએ દાવેદારી નોંધાવી હતી. જેમાંથી 09 ઉમેદવારોએ પોતાની ઉમેદવારી પાછી ખેંચી હતી. ચૂંટણીના છેલ્લા બે દિવસ દરમિયાન નિખિલ મદ્રાસી અને મનિષ કાપડીયા વચ્ચે ચૂંટણી યોજાઈ હતી. ચૂંટણીના અંતે કુલ 4623 મતો પડયા હતા. જેમાંથી 146 મત રદ કરવામાં આવ્યા, આથી કુલ 4477 મતોની ગણતરી કરવામાં આવી હતી. રવિવારે સાંજે ચૂંટણી સમિતિના ચેરમેન તથા સભ્યો, ઓફિસ બેરર્સ, ચેમ્બરના ભૂતપૂર્વ પ્રમુખઓ, બંને ઉમેદવારો તથા તેમના સમર્થકોની હાજરીમાં મત ગણતરી કરવામાં આવી હતી. જેમાં નિખિલ મદ્રાસીને 2443 મતો અને મનિષ કાપડીયાને 2029 મતો મળ્યા હતા. નિખિલ મદ્રાસીએ મનિષ કાપડીયા કરતા 414 મતો વધારે મેળવીને વિજય હાંસલ કરી હતી.

ચૂંટણીમાં મતદાનના હર્ષ સંઘવી, નવા બિનહરીફ સાંસદ મુકેશ દલાલ તેમજ મંત્રી પ્રફુલ પાનશેરિયાએ પણ મતદાન કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છેલ્લા ત્રણ વર્ષથી ઉપપ્રમુખ બિનહરીફ ચૂંટાતા હતા. અને જે ઉપપ્રમુખ બને એ આવતા વર્ષે આપોઆપ પ્રમુખ બની જતા હોય છે એવી પરંપરા છે.