ડાંગ પ્રવાસે જતાં 50 વિદ્યાર્થી ભરેલી બસ ખીણમાં ખાબકી, 10નાં મોત

તાપીઃ ડાંગ જિલ્લામાં પ્રવાસે જઈ રહેલ વિદ્યાર્થીઓ ભરેલી બસ ખીણમાં ખાબકી હોવાની ગમખ્વાર ઘટના બની હતી.  સૂરત અમરોલી વિસ્તારના એક ટ્યૂશન ક્લાસીસના વિદ્યાર્થીઓ આ ઘટનાનો ભોગ બન્યાં હતાં. બસમાં આશરે 50 બાળકો સવાર હતાં. પ્રાથમિક માહિતી મુજબ 3 વિદ્યાર્થીના મોતના ખબર હતાં તેમાં વધારો થઈને કુલ 10 વિદ્યાર્થીઓના મોતની હોસ્પિટલ તંત્રે પુષ્ટિ કરી હતી.

બસ અકસ્માતનો ભોગ બનેલાં બાળકોમાંથી ત્રણ બાળકોના મોતની પુષ્ટિ થઈ રહી છે. જ્યારે 36 બાળકો ઘાયલ થયાં છે. તમામને આહવાની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.જ્યારે બે બાળકોની હાલત ગંભીર હોવાથી તેમને સૂરત ખસેડવામાં આવી રહ્યા છે. હજુ પણ બસમાં 15 જેટલા વિદ્યાર્થી ફસાયા હોવાની માહિતી મળી છે. જેમને બચાવવાની કામગીરી ચાલુ છે. ઘટના સ્થળ પર 8 થી 10 એમ્બ્યુલન્સ અને રાહતની ટીમ પહોંચી ગઈ છે. તાપી – ડાંગના અધિકારીઓ પણ ઘટના સ્થળ પર પહોંચી ગયા છે. બસ ઊંડી ખીણમાં ખાબકી હોવાથી અને અંધારૂ હોવાથી રાહત-બચાવની ટીમ મુશ્કેલીમાં રેસ્ક્યુ કરી રહી છે.

પ્રાથમિક માહિતી સામે આવી છે તે મુજબ ડાંગના મહાલ બરડીપાડા માર્ગ પર આ અકસ્માત બન્યો હતો. કોઈ કારણસર ડ્રાઈવરે બસ પરથી કાબૂ ગુમાવતાં 300 ફૂટ ઊંડે ખીણમાં બસ ખાબકી પડી હતી. બાળકોની બૂમરાણના પગલે આસપાસના વિસ્તારમાંથી ગ્રામજનો દોડી આવ્યાં હતાં અને બચાવકામગીરી હાથ ધરવા સાથે તંત્રને જાણ કરવામાં આવી હતી.

ઘટનાને પગલે જિલ્લા તંત્રમાં પણ તેજ કાર્યવાહી હાથ ધરતાં તાત્કાલિક અલગ અલગ સ્થળેથી 8 એમ્બ્યૂલન્સીસને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી

બાળકો સૂરતના અમરોલી તે જ અન્ય વિસ્તારના છે ત્યારે બાળકોના પરિવારજનો સાથે સંપર્ક કરવામાં તંત્રને ઘણી મહેનત પડી રહી છે. તેમ જ મોબાઈલ નેટવર્ક અને લાઈટની પૂરતી વ્યવસ્થાના અભાવે તંત્રની સ્થિતિ પણ કફોડી બની રહી હતી.

તાપી જિલ્લા કલેક્ટર ડામોરે માધ્યમોને જણાવ્યા અનુસાર, બસમાં હજુ 12 થી 15 બાળકો ફસાયા હોવાની માહિતી મળી છે, બચાવ કામગીરી ચાલી રહી છે. તંત્ર આખી રાત બચાવ કામગીરી હાથ ધરશે. રાત પડી ગઈ હોવાથી બચાવકાર્યમાં તકલીફ પડી રહી છે. તંત્ર દ્વારા ત્રણ લાઈટનો હાલ ઉપયોગ કરી અન્ય બાળકોની શોધખોળ ચાલુ છે.