સુરત: રાજદ્રોહ કેસ મામલે અલ્પેશ કથીરિયાની ડીસ્ચાર્જ અરજી નામંજૂર

સુરત: રાજદ્રોહ કેસ મામલે અલ્પેશ કથીરિયાની ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી છે. રાજદ્રોહ કેસમાં ચાર્જ ફ્રેમ દાખલ કરવાની હોવાથી ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરવામાં આવી છે. મુખ્ય જિલ્લા સેશન્સ જજ આર.કે.દેસાઈએ અરજી નામંજૂર કરવાની સાથે આગામી 18મી જાન્યુઆરી ના રોજ ચાર્જફ્રેમની કાર્યવાહી માટે કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો છે.

પાટીદાર અનામત આંદોલ દરમ્યાન પાસના આરોપી નેતાઓ હાર્દિક પટેલ,ચિરાગ તથા વિપુલ દેસાઈ સહિત પાછળથી પોલીસે ઝડપેલા અલ્પેશ કથીરિયા વિરુધ્ધ અમરોલી પોલીસ મથકમાં રાજદ્રોહના ગુનાઈત કારસા અંગે ફોજદારી ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં સંડોવાયેલા પાસના આરોપી નેતા હાર્દિક પટેલ, વિપુલ તથા ચિરાગ દેસાઈએ ચાર્જશીટ રજુ થયા બાદ આરોપોમાંથી દોષમુક્ત સમ્માનભેર છોડવા માગ કરી હતી. જેને કોર્ટે નકારી કાઢી હતી.

અગાઉ ચાર્જફ્રેમની કાર્યવાહી પૂર્વે પુરવણી ચાર્જશીટમાં અલ્પેશ કથીરીયાએ પણ પોતાની સામે આક્ષેપિત ગુનાના અગાઉ દર્શનીય કેસ ન હોઈ આરોપોમાંથી ડીસ્ચાર્જ કરવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકાર પક્ષે મુખ્ય જિલ્લા સરકારી વકીલ નયન સુખડવાલાએ જણાવ્યું હતું કે આરોપી વિરુદ્ધ વોટ્સએપ મેસેજીસ, વિડિયો ક્લિપ સહિતના પુરાવા ચાર્જ ઘડવા માટે પુરતા છે. જેથી હાલના તબક્કે આરોપીને બિનતહોમત છોડવા માટેના કોઈ ચોક્કસ કારણ કે અરજીને કાનુની પીઠબળ મળે તેમ ન હોય ડીસ્ચાર્જ અરજી રદ કરવા માગ કરી હતી. જેથી કોર્ટે રેકર્ડ પરના પુરાવા તથા સરકાર પક્ષની રજૂઆતોને માન્ય રાખી આરોપી અલ્પેશ કથીરિયાની ડીસ્ચાર્જ અરજી નામંજૂર કરતો હુકમ કર્યો છે. કોર્ટે આગામી ૧૮મી જાન્યુઆરીના રોજ રાજદ્રોહના કેસમાં ચાર્જફ્રેમની પેન્ડીંગ કાર્યવાહી માટે આરોપી અલ્પેશ કથીરિયાને કોર્ટ સમક્ષ હાજર રહેવા નિર્દેશ આપ્યો છે.