સુરતના વરિયાવ વિસ્તારમાં ગઇકાલે (5 ફેબ્રુઆરી) સાંજે અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે એક 2 વર્ષનું બાળક ખુલ્લી ગટરમાં પડી ગયું હતું. 24 કલાક બાદ આજે (6 ફેબ્રુઆરી)એ બાળક વરિયાવ પમ્પિંગ સ્ટેશનમાંથી મૃત હાલતમાં મળી આવ્યો છે. હાલ બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં પીએમ માટે લઈ જવામાં આવ્યો છે. સુરત મહાનગરપાલિકાની બેદરકારીએ માસૂમનો જીવ ગયો છે. સતત 24 કલાકથી ફાયર વિભાગ સહિતની ટીમો દ્વારા રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. ઘટનાના પગલે પરિવારજનો અને સ્થાનિકોમાં શોક અને આક્રોશ ફેલાયો છે.
આઈસ્ક્રીમ લેવા જતા કેદાર નામનો માસૂમ બાળક ખુલ્લી ગટરમાં પડ્યો હતો. બુધવારી બજારમાં માતા વૈશાલીબેન વેગડ સાથે નીકળેલો તેમનો 2 વર્ષીય પુત્ર કેદાર વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં ખાબક્યો હતો. સુરત ફાયર અને ઈમરજન્સી સર્વિસના કર્મચારીઓ અને સ્થાનિકો પણ બચાવ કામગીરીમાં લાગ્યા હતા. પાણીના ભારે વહેણને કારણે બાળક ઘણું આગળ સુધી પહોંચી ગયો હતો. અમરોલી-વરિયાવ રોડ પર રાધિકા પોઈન્ટ પાસે વરસાદી પાણીની ખુલ્લી ગટરમાં માતા સાથે પસાર થઈ રહેલ માસુમ બાળક પડી જવાને કારણે સ્થાનિકોમાં રોષ ફાટી નીકળ્યો છે. મહાનગર પાલિકાના વહીવટી તંત્રના પાપે માસુમ બાળકની બીજા દિવસ સાંજ સુધી પણ કોઈપણ પ્રકારની ભાળ મળી ન હતી. આજે પણ સવારથી ફાયર વિભાગથી માંડીને કતારગામ ઝોનની ટીમો દ્વારા તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા. આ દરમિયાન બપોરે એનડીઆરએફની ટીમ પણ ફાયર વિભાગના જવાનો સાથે તપાસમાં જોતરાઈ હતી. આ સિવાય ડ્રેનેજ અને સ્ટ્રોમ લાઈનમાં ગેરકાયદેસર કનેકશનને કારણે પાણીનો ફોર્સ વધારે હોવાને કારણે મેઈન લાઈનમાં 15 ફુટ સુધી પાણીનો પ્રવાહ જોવા મળ્યો, જેને કારણે પણ શોધખોળમાં ભારે વિલંબ થયો હોવાનું જણાઈ રહ્યું છે. ફાયર વિભાગની સાથે સાથે ઝોનની ટીમ દ્વારા પણ સ્ટ્રોમ ડ્રેનેજથી માંડીને ખાડીમાં તપાસ કરાઈ. બીજા દિવસે પણ બપોર સુધી કેદારનો કોઈ પત્તો ન મળતાં પરિવારજનો સહિત લોકોમાં વહીવટી તંત્રની કામગીરી વિરૂદ્ધ ભારે રોષ જોવા મળ્યો. વહેલી સવારથી જ મોટી સંખ્યામાં લોકોએ ધરણાં પ્રદર્શન કરીને સુરત મહાનગર પાલિકા વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કરતાં એક તબક્કે વાતાવરણ તંગ બન્યું હતું. ઉલ્લેખનીય છે કે આ ઘટના બાદ ફાયર ઓફિસર જણાવ્યું કે ભારે વાહનોની અવર જવરને કારણે આ મેનહોલનું ઢાકણ તૂટી ગયું છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)